Sat May 02 2026

Logo

મુંબઈમાં કન્સ્ટ્રકશનના કલાકો ૧૬થી ઘટાડી ૧૨ કરવાનો પ્રસ્તાવ

2026-03-15 10:10:00
Author: Sapna Desai
Article Image

મુંબઈ: મુંબઈમાં હાથ ધરવામાં આવેલા અનેક ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ અને મોટા પ્રમાણમાં ચાલી રહેલા રિડેવલપમેન્ટના કામને કારણે છેલ્લાં અનેક વર્ષોથી મુંબઈમાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે ત્યારે વાયુ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે કન્સ્ટ્રકશન સાઈન પર બાંધકામના કલાકોને ઘટાડીને સવારના સાતથી સાંજના સાત વાગ્યા સુધી કરવાનો પ્રસ્તાવ મુંબઈના વરિષ્ઠ નગરસેવકે મૂક્યો છે. આ પ્રસ્તાવ ૧૭ માર્ચના થનારી પાલિકાની સામાન્ય સભામાં ચર્ચા માટે આવવાનો છે.

મુંબઈમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં મેટ્રો રેલ , ફ્લાયઓવર સહિત રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટીકરણથીને લઈને અનેક  પ્રકારના માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યુંં છે. એ સિવાય મુંબઈમાં મોટા પ્રમાણમાં જૂની ઈમારતોના રિડેવલપમેન્ટના કામ પણ ચાલી રહ્યા છે. પાલિકાના આંકડા મુજબ હાલ સમગ્ર મુંબઈમાં  ૨,૨૦૦થી વધુ કન્સ્ટ્રકશન સાઈટ છે. 

મુંબઈમાં મોટા પ્રમાણમાં થઈ રહેલા બાંધકામને કારણે વાયુની સાથે ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું છે. સવારના છ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી ચાલતા આ કામને કારણે શાંતિ ભંગ થઈ જાય છે. બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો તેમ જ બીમાર લોકોને સતત આવતા અવાજને કારણે ત્રાસ થાય છે. તેથી બાંધકામના સમયમાં ઘટાડો કરવાની માગણી ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને પીઢ નગરસેવિકા અલકા કેળકરે પ્રશાસનને કરી છે. તેમણે  સવારના સાતથી સાંજના સાત વાગ્યા સુધીના સમયમાં જ બાંધકામ માટે મંજૂરી આપવા બાબતે જોર આપ્યો  છે.

મુંબઈમાં પહેલા પણ સવારના સાતથી રાત સાત વાગ્યા સુધીના સમયગાળામાં જ બાંધકામ કરી શકાતું હતું પણ ૨૦૧૬માં ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ પૉલિસી હેઠળ  સમય મર્યાદાને લંબાવવામાં આવી હતી અને અગાઉના ૧૨ કલાકને સમયે વધારીને સવારના છ વાગ્યાથી રાત ૧૦ વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી હતી. જોકે નવા ચૂંટાયેલા નગરસેવકે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ બાબતે ચિંતા વ્યક્ત કરીને સુધારેલા સમય પર પુનિર્વિચાર કરવાનો માગ કરી છે.

અકલકા કેળકરે જણાવ્યું હતું કે  હાલ સવારના છ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધીના સમય બાંધકામ માટે આપવામાં આવ્યો છે. જોકે અનેક વખત સાઈટ પર આપેલી સમયમર્યાદા કરતા પણ વધુ સમય સુધી ડેવલપરો દ્વારા કામ કરવામાં આવતું હોય છે. મશીનરીના આવતા અવાજથી વૃદ્ધ, બાળકો અને બીમાર લોકોને જ નહીં પણ સંબંધિત વિસ્તારના રહેવાસીઓને પણ ત્રાસ થતો હોય છે. તેથી ફરી એક વખત આ લોકોમાં લગામ નાખવાની આવશ્યકતા છે.

૧,૦૯૨ કન્સ્ટ્રકશન સાઈટનું ઈન્સ્પેકશન
પાલિકા પ્રશાસન દ્વારા વોર્ડ સ્તરે ૨થી ૨૭ ફેબ્રુઆરી દરમ્યાન ખાનગી અને પાલિકા તથા અન્ય ડેવલપમેન્ટ ઓથોરિટીના જુદા જુદા સ્થળે ચાલી રહેલા બાંધકામના સ્થળો પર ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. લગભગ ૧,૦૯૨ કન્સ્ટ્રકશન સાઈટની તપાસ કરવામાં આવી હતી, જેમાં  નિયમનું ઉલ્લંઘન કરનારા સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.૧૩૫ને કારણ-દર્શાવો નોટિસ અને ૯૩ કામને સ્ટોપ વર્કની નોટિસ ફટકારવામાં આવી હતી. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ નોટિસ મળ્યા બાદ અનેક કન્સ્ટ્રકશન  સાઈટ પર ધૂળ અને ધ્વનિ પ્રદૂષણને લગતી એસઓપીને અમલમાં મૂકવામાં આવ્યા બાદ ૪૮ સાઈટને આપેલી સ્ટોપ વર્કની નોટિસ પાછી ખેંચવામાં આવી હતી.