(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ રહેલા મુંબઈ કોસ્ટલ રોડ (દક્ષિણ)નો માર્ચ ૨૦૨૪થી અત્યાર સુધીમાં ૩૧.૬૬ મિલ્યન વાહનો (૩.૧૬ કરોડ) એ ઉપયોગ કર્યો છે. કોસ્ટલ રોડને પગલે મરીન ડ્રાઈવ અને વરલી સી લિંકના વરલી છેડા વચ્ચેના ટ્રાફિકની સમસ્યામાં ભારે રાહત મળી અને અહીં વાહનવ્યહાર ઝડપી થયો છે.કોસ્ટલ રોડ ૧૮ ઓગસ્ટ, ૨૦૨૫થી અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક માટે વાહન વ્યવહાર ચાલુ થયા બાદ હાઈ સ્પીડ કોરિડોર મળવાને કારણે દૈનિક ઑગસ્ટ પહેલાની સરખામણીમાં ટ્રાફિકમાં વધારો થયો છે, જેમાં વરલીથી મરીન ડ્રાઈવ દક્ષિણ તરફ ૩૦,૦૦૦ વાહનો અને ઉત્તર તરફ ૨૭,૦૦૦ વાહનોથી વધી ગયો છે.
બિંદુ માધવ ઠાકરે ચોક-વરલીથી દક્ષિણ તરફ મરીન ડ્રાઈવ સુધીનો ૧૦.૫૮ કિલોમીટરનો કોસ્ટલ રોડ ૧૧ માર્ચ, ૨૦૨૪ના ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યારથી વાહનચાલકો કોસ્ટલ રોડ તરફ વળ્યા હતા. ફક્ત ખુલ્લો મુકાયો તેના પહેલા મહિનામાં જ ૨,૬૩,૬૧૦ વાહનોએ કોસ્ટલ રોડનો ઉપયોગ કર્યો હતો. આ રોડ પર દર મહિને ટ્રાફિક ઝડપથી વધી રહ્યો છે અને હવે સાત લાખ વાહનો સુધી પહોંચી ગયો છે. ઉત્તર તરફનો પટ્ટો વરલી સુધી કોસ્ટલ રોડ ચાલુ થયા બાદ અને ૧૫ ઑગસ્ટ, ૨૦૨૫થી અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક માટે કોસ્ટલ રોડ ખુલ્લો મુકાયો બાદ કોસ્ટલ રોડ પર વાહનોની સંખ્યા વધી રહી છે.
અગાઉ મર્યાદિત કલાકો સવારના સાત વાગ્યાથી મધરાત સુધીના સમયગાળામાં આ રૂટ પર મરીન ડ્રાઈવ તરફ દરરોજ ૧૯,૨૦૯ વાહનો અને વરલી તરફ ૧૫,૩૩૦ વાહનો પસાર થતા હતા. ૧૫ ઑગસ્ટ ૨૦૨૫થી અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક માટે કોસ્ટલ શરૂ થયા બાદ વોલ્યુમ વધીને દક્ષિણ તરફ ૩૦,૦૦૦ અને ઉત્તર તરફ ૨૭,૦૦૦ સુધી પહોંચી ગયું છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ બાન્દ્રા-મરીન ડ્રાઈવ પટ્ટાનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. ફોર્ટ, નરીમન પોઈન્ટ અને કોલાબામાં મહત્ત્વની ઓફિસ અને ગીચ રહેણાંક આવેલા છે. તેથી દૈનિક મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે.
કોસ્ટલ રોડ પર વાહનચાલકોને મુસાફરી માટે અગાઉ જે ૪૫ મિનિટનો સમય લાગતો હતો તે હવે ઘટીને ૧૦ મિનિટ પર આવી ગયો છે. કોસ્ટલ રોડ પર કલાકના ૮૦ કિલોમીટરની ઝડપે વાહન ચલાવવાની મંજૂરી છે. તો ટનલમાં કલાકના ૬૦ કિલોમીટરની ઝડપે વાહન ચલાવવાની મંજૂરી છે.
Express