Sun Oct 04 2026

Logo

મુંબઈમાં વહેલી સવારે BMW બ્રિજ પરથી નીચે ખાબકી, 3નાં મોત એક યુવકની સ્થિતિ ગંભીર

2026-09-20 10:42:59
Author: Mumbai Samachar Team
મુંબઈમાં વહેલી સવારે BMW બ્રિજ પરથી નીચે ખાબકી, 3નાં મોત એક યુવકની સ્થિતિ ગંભીર

મુંબઈઃ મુંબઈમાં રજાનો દિવસ રવિવાર માઠા સમાચાર સાથે શરૂ થયો હતો. વીજવેગે દોડતી BMW કાર બ્રિજ પરથી નીચે ખાબકતા અંદર બેઠેલા ત્રણ યુવકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર આ કાર સવારના સમયે મુંબઈના મરીન ડ્રાઈવથી હાજીઅલી તરફ જઈ રહી હતી. BMW કાર અકસ્માતમાં એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટના મુંબઈ કોસ્ટલ રોડ પર લોટસ જેટી પાસે બની. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રવિવારની વહેલી સવારે બ્રિજ પરથી BMW કાર પડી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે, થોડી અમથી ટક્કર પણ જીવેલણ સાબિત થાય અને આખરે એવું બન્યું. 

એક વ્યક્તિની સ્થિતિ ગંભીર

લોટસ જેટી પાસે લારા કૉલેજની સામેના વિસ્તારમાં બ્લેક કલરની BMW કાર બ્રિજ પરથી ખાબકી હતી. વહેલી સવારે 5.20 વાગ્યે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળ પરથી જે વીડિયો અને ફોટો સામે આવ્યા છે એના પરથી અનુમાન લગાવી શકાય છે કે, કારની સ્પીડ કેટલી હશે? કારને ખસેડવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. ટક્કર લાગ્યા બાદ કાર ખૂબ જ આગળ વધીને ખાબકી હતી. વળાંક પર અકસ્માત થયો હતો અને કાર નીચે ખાબકી હતી. કારની ટક્કર અન્ય જગ્યા પર થઈ હતી અને પછી કાર બ્રિજથી નીચે પડી ગઈ હતી. ટક્કર થયેલી જગ્યા અને કાર જ્યાંથી પડી એ જગ્યાઓ વચ્ચે 100 ફૂટથી વધારેનું અંતર હોવાનું હાલ મનાય રહ્યું છે. આના પરથી એટલો અંદાજો લગાવી શકાય છે કે, કાર ખૂબ જ સ્પીડમાં હતી. ફ્લાઈ ઓવરની દિવાલ તોડીને કાર 100 ફૂટ અંદરની બાજુથી નીચે પડી છે. ઈજાગ્રસ્તની નાયર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

મૃતકોની ઓળખ થઈ

મૃતકની ઓળખ શનાય ગજ્જલ (ઉ.વ.21), ધૈર્ય શેઠ તરીકે થઈ છે. જ્યારે ત્રીજી જે વ્યક્તિ મૃત્યું પામી છે એની ઓળખ સામે આવી નથી. આ વ્યક્તિની ઉંમર 25 વર્ષની આસપાસ હોવાનું મનાય રહ્યું છે. જ્યારે અન્ય 20 વર્ષનો યુવક હાલ સારવાર હેઠળ છે. એની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.  પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ સમગ્ર કેસની તપાસ કરી છે. ખાસ કરીને આસપાસના વિસ્તારના સીસીટીવીથી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિથી સ્પીડ કંટ્રોલ ન થતા અકસ્માત થયો હતો. મુંબઈ કોસ્ટલ રોડ એ 10.58 કિલોમીટર લાંબો હાઈ-સ્પીડ ફ્રીવે છે, જે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવને બાંદ્રા-વરલી સી-લિંકના વરલી છેડા સાથે જોડે છે.