(અમારા પ્રતિધિ તરફથી)
મુંબઈ: વધતા તાપમાનથી મુંબઈમાં આવેલા વૃક્ષો પર પ્રતિકૂળ પરિણામ થાય નહીં તેમ જ મુંબઈગરાને ઠંડક મળી રહે તે ઉદ્દેશ્યથી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઝાડોને ટેન્કર મારફત પાણીપુરવઠો કરવામાં આવી રહ્યો છે. ઝાડના મૂળિયાને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળવાથી તે કરમાઈ જાય છે અને વૃક્ષ મૂળિયાથી ઉખડી પડવાની શકયતા વધી જાય છે.
એ બાબતને ધ્યાનમાં રાખીને વૃક્ષોને પાણી આપીને સંજીવની આપવા માટે પાલિકાએ આ ઉપક્રમ હાથમાં લીધો છે. તો ખાનગી વિસ્તારમાં આવેલા ઝાડ માટે સંબંધિત ગૃહનિર્માણ સોસાયટીએ પાણીપુરવઠો કરવો એવી અપીલ પાલિકા પ્રશાસને કરી છે.
વધુ ગરમીને કારણે જમીનમાં રહેલી ભીનાશ ઓછી થઈ જાય છે અને તેને કારણે ઝાડ પર તાણ આવે છે અને ઝાડના મૂળિયા કરમાઈને જમીન પરની પકડ ગુમાવી દેતા હોય છે. તેમ જ ઝાડની ડાળખી પણ તૂટી પડવાનું જોખમ નિર્માણ થતું હોય છે. તેથી આ પાર્શ્ર્વભૂમિ પર પાલિકા તરફથી ઝાડને નિયમિત પાણી આપવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.