Wed Jul 29 2026

Logo

ગેસની અછત સર્જાતા બેકરી ઉદ્યોગ મુશ્કેલીમાંઃ વડાપાઉંમાંથી પાઉં 'ગાયબ' થશે?

2026-03-11 21:16:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: યુદ્ધને કારણે કમર્શિયલ ગેસની અછત સર્જાતા તેની સીધી અસર હવે પાઉંના ઉત્પાદન પર પણ પડશે. હાઈ કોર્ટના આદેશ મુજબ મુંબઈની કોલસાથી ચાલતી બેકરીઓને એલપીજી ગેસ પર શિફ્ટ કરવામાં આવી છે. 
તેના કારણે, તાજેતરમાં જ ગેસ પર રૂપાંતરિત થયેલી આ બેકરીઓ હવે સંકટમાં મુકાઈ છે. જૂની ભઠ્ઠીઓ પણ તોડી નાખવામાં આવી હોવાથી, આગામી એક-બે દિવસમાં પાઉં મળવા મુશ્કેલ છે. 

લાકડા અને કોલસાનો બળતણ તરીકે ઉપયોગ કરતી બેકરીઓ, હોટલો અને રેસ્ટોરન્ટ્સ વાયુ પ્રદૂષણનું કારણ બની રહી હોવાથી હાઇ કોર્ટે ગયા વર્ષે જાન્યુઆરીમાં તમામ બેકરીઓને એલપીજી પર સ્વિચ કરવાનો આદેશ આપ્યો હતો, તેથી અત્યાર સુધીમાં, લગભગ ૮૦ થી ૯૦ ટકા બેકરીઓ એલપીજી ગેસ પર સ્વિચ કરી ચૂકી છે. 

મોટા ભાગની બેકરીઓ ઇલેક્ટ્રિક ઓવનને બદલે એલપીજી સિલિન્ડર પર ચાલે છે. અખાતી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે દેશ અને રાજ્યમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે. આથી, બેકરી ઉદ્યોગને પણ આ યુદ્ધની માઠી અસર વેઠવી પડશે.