ચારિત્ર્ય પર શંકાને પગલે આરોપીએ સગીર દીકરાની નજર સામે ભર્યું ઘાતકી પગલું
મુંબઈ: છૂટાછેડા માગતી પત્નીને 13 વર્ષના માસૂમ દીકરાની નજર સામે જ પતિએ ચાલતી ટ્રેન સામે ધકેલીને મારી નાખી હોવાની આઘાતજનક ઘટના મુલુંડ સ્ટેશને બની હતી. ચારિત્ર્ય પર શંકાને પગલે આરોપી પતિ પત્નીને સખત ત્રાસ આપતો હતો. હત્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે ગુજરાતના સુરત સ્ટેશનેથી પકડી પાડ્યો હતો.
રેલવે પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ રાજુ અવધરામ ગુપ્તા (24) તરીકે થઈ હતી. પ્રાથમિક પૂછપરછમાં રાજુએ દાવો કર્યો હતો કેે તેની પત્ની પુષ્પા ગુપ્તા (36)ના મુલુંડમાં જ રહેતા એક યુવાન સાથે આડાસંબંધ હતા. આ મુદ્દે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને એ જ કારણસર તેણે પત્નીને ટ્રેન સામે ધકેલી હતી.
મુલુંડના ગૌશાળા રોડ ખાતે રહેતા ઈલેક્ટ્રિશિયન રાજુનો પત્ની પુષ્પા સાથે વારંવાર ઝઘડો થતો હતો. ઝઘડાનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું કે 13 ફેબ્રુઆરીએ પુષ્પાએ મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે રાજુ વિરુદ્ધ એનસી નોંધી તેની સમજાવટ કરી હતી.
થોડા દિવસ પછી પુષ્પા 15 વર્ષના મોટા દીકરા સાથે ઉત્તર પ્રદેશના વતન જતી રહી હતી. જોકે લશ્કરના જવાન એવા પુષ્પાના ભાઈ કમલેશે મધ્યસ્થી કરીને દંપતીને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તે પુષ્પા અને ભાણેજને લઈ મુલુંડ આવ્યો હતો. જોકે રાજુ અને પુષ્પા વચ્ચે ફરી ઝઘડા થવા લાગતાં પુષ્પાએ છૂટાછેડા લેવાની વાત કરી હતી, જેને કારણે રાજુ રોષે ભરાયો હતો.
કહેવાય છે કે શનિવારે કમલેશ પુષ્પા અને ભાણેજ સાથે કલવામાં રહેતા સગાને મળવા જતો હતો. ટ્રેનની ટિકિટ કઢાવી ત્યારે તેના ધ્યાનમાં આવ્યું હતું કે પર્સમાંથી એટીએમ કાર્ડ, પૅન કાર્ડ અને લશ્કરનું આઈ કાર્ડ ગુમ હતાં. તેણે તરત રાજુને ફોન કર્યો હતો અને રાજુએ કાર્ડ્સ તેની પાસે હોવાનું કબૂલ્યું પણ ખરું. કાર્ડ્સ લેવા કમલેશ ઘરે ગયો ત્યારે રાજુએ તેની સાથે ઝઘડો કર્યો હતો. પછી ઘરમાં મોટા દીકરા અને કમલેશને પૂરી રાજુ મુલુંડ સ્ટેશને પહોંચ્યો હતો.
પત્નીને મનાવવાના પ્રયાસ નિષ્ફળ જતાં રાજુએ મુલુંડ સ્ટેશનના પ્લૅટફોર્મ નંબર-1 પર આવેલી કલ્યાણ તરફ જતી ટ્રેન સામે પત્નીને ધક્કો માર્યો હતો, જેમાં પુષ્પાનું મૃત્યુ થયું હતું. આરોપી 13 વર્ષના નાના દીકરા સાથે થાણે ગયો હતો. પછી ત્યાંથી ફાસ્ટ ટ્રેનથી દાદર પહોંચીને વિરાર ગયો હતો. વિરારથી તેણે ગુજરાત જતી ટ્રેન પકડી હોવાનું સીસીટીવી ફૂટેજમાં નજરે પડતાં જીઆરપીએ સુરત પોલીસને જાણ કરી હતી. સુરત પોલીસે આરોપીને પકડી જીઆરપીને સોંપ્યો હતો.