દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારને મોટો આંચકો લાગ્યો છે. શેરબજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આવેલા ઘટાડાને કારણે મુકેશ અંબાણીની નેટવર્થ ઘટી છે, જેના લીધે તેઓ વૈશ્વિક સ્તરે અને એશિયાના ધનિકોની યાદીમાં તેમનું સ્થાન નીચે સરકી ગયું છે. ચાલો જાણીએ આખી સ્ટોરી વિસ્તારથી...
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના શેરબજારમાં ચાલી રહેલા ઘટાડાની સીધી અસર કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ પર પણ જોવા મળી છે. સ્થાનિક બજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે રિલાયન્સના શેરમાં ઘટાડો નોંધાતા મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 490 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. આ આર્થિક નુકસાનના કારણે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની વૈશ્વિક યાદીમાં ચાર સ્થાન નીચે સરકી ગયા છે. એટલું જ નહીં, તેમણે એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું પોતાનું સ્થાન પણ ગુમાવવાનો વારો આવ્યો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના તાજેતરના રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 86.9 બિલિયન ડોલર પર આવી ગઈ છે, જેના કારણે તેઓ વૈશ્વિક સ્તરે 25મા સ્થાને પહોંચી ગયા છે. આ વર્ષે તેમની કુલ સંપત્તિમાં 20.8 બિલિયન ડોલરનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. અંબાણીને પાછળ છોડીને ચીનના સોશિયલ મીડિયા ગ્રુપ બાઈટડાન્સના સહ-સ્થાપક ઝાંગ યિમિંગ 92.8 બિલિયન ડોલરની સંપત્તિ સાથે એશિયામાં બીજા સ્થાને આવી ગયા છે.
બીજી બાજુ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાના નંબર-એકના સ્થાન પર મજબૂતીથી યથાવત છે. તાજેતરમાં તેમની સંપત્તિમાં 1.61 બિલિયન ડોલરનો વધારો નોંધાયો છે, જેનાથી તેમની કુલ નેટવર્થ 117 બિલિયન ડોલર થઈ ગઈ છે અને તેઓ વૈશ્વિક સ્તરે 17મા સ્થાને છે.
વિશ્વના ટોચના ધનિકોની વાત કરીએ તો, ઇલોન મસ્ક 726 બિલિયન ડોલર સાથે વિશ્વમાં પ્રથમ સ્થાને યથાવત છે, જ્યારે માઇકલ ડેલ બીજા અને માર્ક ઝુકરબર્ગ ત્રીજા સ્થાને છે. શેરબજારની આ અસ્થિરતા દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે બિઝનેસ ટાયકૂન્સની રેન્કિંગમાં કેટલી ઝડપથી ફેરફારો આવી શકે છે.