મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી)ના કાફલાની તમામ બસ 2037 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો (ઇવી) હશે એમ રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું.
વિધાન પરિષદમાં તેમણે કહ્યું હતું કે 2047 સુધીમાં મહારાષ્ટ્રમાં તમામ વાહનો ઇલેક્ટ્રિક વાહનો હશે. એ દિશામાં એક પગલા તરીકે એમએસઆરટીસી 2037 સુધીમાં તેના કાફલામાં તમામ ઇલેક્ટ્રિક બસો રાખવાની યોજના ધરાવે છે.
ગૃહમાં પ્રધાને જણાવ્યું હતું કે 'એમએસઆરટીસીના કાફલામાં હાલમાં 22 હજાર બસ છે. 800 ઇલેક્ટ્રિક બસોપણ છે. 2037 સુધીમાં, એમએસઆરટીસીના કાફલાની તમામ બસ ઇલેક્ટ્રિક હશે. આ ફેરફાર તબક્કાવાર કરવામાં આવશે. એમએસઆરટીસી રાજ્યનું પ્રથમ પરિવહન નિગમ હશે જે તેના સમગ્ર કાફલાને ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરશે.'
સરનાઈકે ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2025 મુજબ અટલ સેતુ, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અને સમૃદ્ધિ મહામાર્ગનો ઉપયોગ કરતા ઇલેક્ટ્રિક વાહનોને 100 ટકા ટોલ માફી આપવામાં આવે છે.
ઇવી વાહનને પસંદગી આપનારાઓને નાણાકીય છૂટછાટ પણ આપવામાં આવે છે અને રાજ્યમાં દરેક હાઇવે સ્ટ્રેચ પર આવા વાહનો માટે દર 25 કિમીએ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. (પીટીઆઈ)