Wed Jul 29 2026

Logo

ભાત ભાત કે લોગઃ માતૃત્વ-લગ્ન ને સાથે દુનિયાદારી... જાયેં તો જાયેં કહાં!

2026-05-09 08:12:00
Author: Jwalant Nayak
Article Image

 

જ્વલંત નાયક

પશ્ચિમના દેશોમાં વિવિધ વ્યક્તિઓ કે અન્ય વાતોને સંલગ્ન દિવસોની ઉજવણી કરવાનું ચલણ છે. દાખલા તરીકે ફ્રેન્ડશિપ ડે, ફેમિલી ડે, ફાધર્સ ડે અને આવતીકાલે જે ઉજવાવાનો છે તે મધર્સ-ડે...

આ પ્રકારની ઉજવણી પાછળનો મૂળ હેતુ જે-તે વ્યક્તિ સાથેના સંબંધો મજબૂત કરવાનો અને એમની કદર કરવાનો હોય છે. કમાલની વાત એ છે કે ઘણી વાર વાસ્તવિક પરિસ્થિતિ સાવ સામા છેડાની જોવા મળશે. મધર્સ-ડેનો જ દાખલો લો. આંકડાઓ કહી રહ્યા છે કે વિશ્વમાં માતાઓની સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે. અને આ આંકડાઓ આફ્રિકા કે એશિયાના દેશોના નહિ પણ વિકસિત ગણાતા દેશોના છે.

`ઓર્ગેનાઈઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ OECD' નામનું આંતરદેશીય સંગઠન પોતાના સભ્ય દેશોના આર્થિક વિકાસ માટે કામ કરે છે. આ સંગઠનમાં કુલ 38 દેશ સભ્ય છે. એમાં અમેરિકા, કેનેડા, મેક્સિકો અને ઓસ્ટે્રલિયા સહિત યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રમાણમાં સમૃદ્ધ ગણાતા સારી જીવનશૈલી ધરાવતા દેશ છે, પરંતુ 2023ના આંકડાઓ મુજબ OECD દેશોમાં અવિવાહિત માતાઓની સંખ્યા વધીને 43 ટકા જેટલા ઊંચા દરે પહોંચી છે! દર હજાર બાળકો પૈકીનાં 430 બાળકો એવી માતાની કૂખે જન્મે છે, જેમનો કોઈ કાયદેસરનો પુષ સાથીદાર નથી. કાં તો આ મહિલાઓએ લગ્ન નથી કર્યા અથવા એવા લિવ ઇન સંબંધોમાં રહે છે, જેનું કોઈ ભવિષ્ય નથી હોતું.

આપણે ત્યાં સામાન્ય ખ્યાલ એવો છે કે પશ્ચિમી દેશોમાં લિવ ઇનમાં રહેવાને લઈને કે લગ્ન વગર શારીરિક સંબંધો બાંધવા બાબતે કોઈ છોછ નથી. આ છાપ ઘણે અંશે સાચી પણ છે. જોકે અહીં મામલો સ્વચ્છંદી જીવનશૈલીને પ્રતાપે પેદા થઇ જતાં બાળકોનો છે. તમે ગમે એટલા મુક્ત સમાજમાં રહેતા હોવ, પણ બાળકો પેદા કરો તો એની જવાબદારી તો ઉપાડવી પડે ને! 1970ની આસપાસ અવિવાહિત માતાઓ થકી જન્મેલાં બાળકો માત્ર 7 ટકા જેટલા જ હતા. છેલ્લા બે-ત્રણ દાયકામાં આ સંખ્યા નાટકીય રીતે વધીને 43 ટકાએ પહોંચી. હવે એ ક્યાં જઈને અટકશે એનું અનુમાન સમાજશાસ્ત્રીઓ પણ લગાવી શકે એમ નથી.


આર્થિક દૃષ્ટિએ રેડ એલર્ટ


આમ તો સુધરેલા ગણાતા પશ્ચિમી દેશો સામાજિક બંધારણને બહુ ગણકારતા નથી. એથી વિરુદ્ધ પૂર્વીય દેશો અને કેટલાક ગરીબ ગણાતા દેશોમાં હજી ય પારિવારિક તાણાવાણા અને સમાજનો ડર યથાવત જોવા મળે છે. લેટિન અમેરિકી દેશો તો ખાસ સમૃદ્ધ પણ નથી અને સામાજિક બંધનો ય નબળા છે. અવિવાહિત માતાનાં સંતાનોને લઈને સૌથી ઊંચો દર કોલમ્બિયાનો છે. અહીં 87 ટકા બાળકો અવિવાહિત માતાની કૂખે અવતરે છે. 

ચિલી (78 ટકા), કોસ્ટારિકા, (74 ટકા) અને મેક્સિકો (73 ટકા)ની સ્થિતિ પણ ચિંતાજનક છે. અનેક યુરોપિયન દેશોમાં આ દર 50 ટકાથી વધુ છે. એની સામે ભારત, જાપાન, કોરિયા જેવા પરમ્પરાગત જીવનશૈલી ધરાવતા દેશોમાં આ દર 10 ટકાથી ઓછો છે. આમાં હજી સિંગલ મધર એટલે કે પતિ સાથે છૂટાછેડા લઈને એકલે હાથે સંતાન ઉછેરતી માતાઓના આંકડા ઉમેરો તો મગજ ફરી જાય!

ખરી તકલીફ આર્થિક મોરચે થઇ રહી છે. વિકસિત દેશોની અત્યંત લિબરલ ગણાતી પોલિસીને કારણે માત્ર કુંવારી જ નહિ પણ ટીનએજ માતાઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. સરકારો સબસિડી આપી આપીને કેટલે સુધી આપે? પરિણામે હવે વેલ્ફેર પોલિસી, ચાઇલ્ડ સપોર્ટ, મેટરનીટી લીવ અને ફેમિલી પોલિસી જેવા મુદ્દાઓ વિવાદનું કારણ બની રહ્યા છે.


સંપૂર્ણપણે સામાજિક લાગતો આ ઈશ્યુ આર્થિક મોરચે સરકારોને પજવે તો છે, પણ હવે આમાં કરવું શું? સાચું પૂછો તો ઘણા દેશમાં આ સમસ્યા અતિશય વકરીને સોશ્યો-ઇકોનોમિકલ કેન્સરના સ્તરે પહોંચી છે.

વાત ક્યાં જઈને અટકશે... 

આમાંથી બહાર નીકળવાનો એક જ ઉપાય છે - લગ્નસંસ્થા મજબૂત બનાવવી. માનવ સમાજ હજારો વર્ષોથી લગ્ન કરતો આવ્યો છે. એક તંદુરસ્ત લગ્નજીવન આખા પરિવારનો બોજ ઉપાડી લે છે. જો એવું ન થાય તો એ બોજો સરકારને શિરે આવી પડે. સમાજશાસ્ત્રીઓ કહે છે કે એક પછી એક આવી રહેલી નવી પેઢીઓ લગ્ન સંસ્થાથી દૂર જતી જાય છે. યુવાનોનો એક મોટો વર્ગ જવાબદારીમાં બંધાવા નથી ઇચ્છતો. જેઓ લગ્ન કરવા માગે છે, એ પણ મોટી ઉંમરે લગ્ન કરે છે.

વિવિધ સામાજિક ડેટાનો અભ્યાસ કરતી ourworldindata.org નામક વેબસાઈટ મુજબ લગ્નસંસ્થા વિશેના ખ્યાલોમાં છેલ્લા હજારો વર્ષો દરમિયાન જેટલો બદલાવ નહોતો આવ્યો, એટલો છેલ્લા સાત દાયકામાં આવી ગયો!

કારકિર્દી અને જવાબદારી ઉપાડવાની અનિચ્છાને કારણે યુવાનો લગ્નસંસ્થાથી દૂર રહે છે અથવા ઓપન રિલેશનશિપમાં રહે છે. આની સીધી અસર બાળકો પર પડે છે. બાળકોના જન્મ પછી કારકિર્દીને લગતા પ્રશ્નોને કારણે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. પરિણામે સિંગલ મધર અને સિંગલ ફાધરની સંખ્યા વધી રહી છે. પહેલા સંયુક્ત પરિવારોમાં બધું સચવાઈ જતું, જે હવે શક્ય નથી. 

બીજી તરફ યુવાનો આર્થિક અસુરક્ષાનું બહાનું ધરે છે. લગ્ન કરીને બાળ ઉછેર પાછળ વર્ષો બગાડવાનું એમને પોસાય એમ નથી, કારણકે મોંઘીદાટ હોમલોનના હપ્તા વીસ-વીસ વર્ષો સુધી ભરવા પડે છે! આમાં થાય એવું કે આર્થિક જવાબદારી વેંઢારતા લોકો સંતાનો પેદા જ નથી કરતા અથવા મોડા પેદા કરે છે. બીજી તરફ સાવ બેજવાબદાર-બેકાર યુવાનો પોતાની ઐયાશી ખાતર બચ્ચા જણી નાખે છે! આ આખો મુદ્દો ચલકચલાણી જેવો છે. કોનો કેટલો વાંક કાઢવો? પણ આખરે આ બધાનો બોજ ઉઠાવશે કોણ? જાયેં તો જાયેં કહાં? 

એની વે, હેપ્પી મધર્સ - ડે.