Sun May 31 2026

Logo

કોંકણ રેલવેમાં મોન્સૂન સ્પેશિયલ ટાઈમટેબલ જાહેર: 40થી વધુ ટ્રેનોની સ્પીડ ઘટશે, સમયમાં ફેરફાર

2026-05-31 19:55:09
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ મધ્ય રેલવે દ્વારા ચોમાસાની ઋતુમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોંકણ રેલવે રૂટ પર 15 જૂનથી 20 ઓક્ટોબર, 2026 સુધી નવું ખાસ સમયપત્રક લાગુ કરવામાં આવ્યું છે. કોંકણ રેલવે રૂટ પર મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. મધ્ય રેલવે વરસાદની ઋતુને ધ્યાનમાં રાખીને ખાસ સમયપત્રકની જાહેરાત કરી છે. 

આ કારણે 15 જૂનથી 20 ઓક્ટોબર, 2026 સુધી 40થી વધુ ટ્રેનોની ગતિ ઘટાડવામાં આવશે. મુંબઈ, પુણે, નાગપુર અને અન્ય મહત્વપૂર્ણ સ્ટેશનોથી દોડતી કોંકણ રૂટ પરની ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 'વંદે ભારત', 'તેજસ' અને એલટીટી -માડગાંવ એક્સપ્રેસની ફ્રિક્વન્સી પણ ઘટાડવામાં આવી હોવાનું રેલવેએ જણાવ્યું હતું.

ટ્રેનોની સ્પીડમાં રિસ્ટ્રિક્શન
દર વર્ષે કોંકણ રેલવે લાઈનમાં ભારે વરસાદ, ભૂસ્ખલનનું જોખમ, બોગદા અને ઘાટોમાં સલામતીના કારણોસર એક ખાસ સમયપત્રક લાગુ કરવામાં આવે છે. આ વર્ષે પણ ચોમાસા પૂર્વે ટ્રેનોની ગતિને નિયંત્રિત કરીને (સ્પીડ રિસ્ટ્રિક્શન) સલામત ટ્રાફિક માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નવા સમયપત્રક મુજબ કોંકણ લાઇન પરની બધી ટ્રેનોની મહત્તમ ગતિ મર્યાદા 75 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, તેથી મુસાફરીનો સમય વધશે અને આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે.

ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો
વંદે ભારત એક્સપ્રેસ મુંબઈથી સવારે 5.25 વાગ્યે ઉપડશે અને સાંજે ૪ વાગ્યે મડગાંવ પહોંચશે. તેજસ એક્સપ્રેસ સવારે 5.50 વાગ્યે ઉપડશે અને સાંજે 5.20 વાગ્યે મડગાંવ પહોંચશે. આ ઉપરાંત, જનશતાબ્દી, માંડવી, તુતારી, મત્સ્યગંધા, નેત્રાવતી, દુરંતો, ગરીબ રથ અને મેંગલુરુ અને કેરળ જતી ઘણી અન્ય ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રેનોની ટ્રિપ્સની સંખ્યામાં ઘટાડો
વંદે ભારત એક્સપ્રેસ છ દિવસને બદલે ત્રણ દિવસ દોડશે. તેજસ એક્સપ્રેસ પાંચ દિવસ ને બદલે ત્રણ દિવસ દોડશે અને એલટીટી-મડગાંવ એક્સપ્રેસ ચાર ને બદલે બે દિવસ દોડશે. મધ્ય રેલ્વેએ ચોમાસા દરમિયાન સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે અને મુસાફરોને તે મુજબ તેમની મુસાફરીનું આયોજન કરવા અપીલ કરી છે.