આ અનુભવી પેસ બોલરે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણું સારું પર્ફોર્મ કર્યું અને શારીરિક રીતે સુસજ્જ પણ છે: અજિત આગરકર ઍન્ડ કંપની જવાબ આપશે?
- યશવંત ચાડ
*મોહમ્મદ શમીને ભારત વતી ત્રણ વર્ષથી ટેસ્ટમાં અને દોઢ વર્ષથી મર્યાદિત ઓવરની મૅચમાં નથી રમવા મળ્યું.
*વૈભવ સૂર્યવંશી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં માંડ આઠ મૅચ રમ્યો છે ત્યાં તેના પર વાઇસ-કૅપ્ટન્સીનો બોજ નાખી દેવાયો.
ભારતીય ટેસ્ટ ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે ગઈ છે અને એમાં અવ્વલ નંબરનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજામાંથી 100 ટકા શારીરિક સુસજ્જતા હાંસલ ન કરી શક્તા તેણે આ પ્રવાસે જવાનું ટાળ્યું છે કે જેથી તે સમયસર પૂરી ફિટનેસ સાથે રમી શકે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ભારતીય ટીમ હોય કે વન-ડે ટૂર્નામેન્ટ હોય કે ટી-20ની કોઈ સ્પર્ધા હોય, દરેક ફૉર્મેટના સુકાની પહેલાં બુમરાહનું નામ સર્વેના હોઠ પર આવતું હોય છે અને એમાં આશ્ર્ચર્યની વાત નથી. કારણ એ છે કે બુમરાહે અદ્વિતીય પર્ફોર્મન્સથી વિશ્ર્વમાં સર્વશ્રેષ્ઠ બોલરનો વગર માગ્યે સરતાજ મેળવ્યો છે એટલે સ્વાભાવિક છે કે બુમરાહની ગેરહાજરી ભારતીય ક્રિકેટ માટે ચિંતાનો વિષય હોય જ. એ વાત પણ સમજી શકાય એવી છે કે બુમરાહનો ઉપયોગ ખૂબ જ યુક્તિપૂર્વક અને સમજદારીથી કરાય તો ભારતીય ક્રિકેટ ટીમને ફાયદો થાય એમાં શંકાને સ્થાન નથી.
તો પછી શું બુમરાહ પછી ભારત પાસે વિશ્ર્વ કક્ષાનો અનુભવી એકેય ફાસ્ટ બોલર નથી? શું આપણી પાસે બુમરાહ જેવો તો નહીં, પણ તેના જેવો જ અસરદાર મોહમ્મદ શમી (શું કહ્યું? મોહમ્મદ શમી? એ વળી કોણ?) આપણી પાસે નથી? આપણા અજિત આગરકરની સિલેક્શન કમિટીને યાદ અપાવી દઈએ કે વિશ્ર્વ કક્ષાનો ઝડપી બોલર શમી ઘરઆંગણે મૅચોમાં પરસેવો પાડીને વિકેટો ખેરવીને પોતાની બોલિંગની ઉપરાંત શારીરિક સુસજ્જતા પણ પુરવાર કરી રહ્યો છે એ જાણવા છતાં પસંદગીકારોની સમિતિ કેમ આંખ આડા કાન કરે છે એ નથી સમજાતું.
હવે આગરકરનો કાર્યકાળ પૂરો થવામાં છે ત્યારે આપણે વાચકમિત્રો તરફથી પસંદગીકારોને પ્રશ્ન પૂછવો છે કે મોહમ્મદ શમીએ હજી શું વધુ પુરવાર કરવાનું છે? બોલિંગમાં સંગીન ફૉર્મ અને શારીરિક સુસજ્જતા તો પુરવાર કર્યા, હવે શું બાકી છે?
શમીએ 2025-’26ની રણજી સીઝનમાં સાત મૅચમાં 37 વિકેટ ફક્ત 16.72ની સરેરાશથી મેળવનારા શમીએ મર્યાદિત ઓવરોની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટમાં 14.93ની ઍવરેજથી 16 વિકેટ અને વિજય હઝારે ટ્રોફીમાં 24.53ની સરેરાશથી 15 વિકેટ એમ કુલ મળીને તેણે 68 વિકેટ ઝડપી હતી. 2023માં ભારતમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપમાં તમામ બોલર્સમાં સૌથી વધુ 24 વિકેટ લેનાર પણ શમી જ હતો. તે શારીરિક રીતે સુસજ્જ પણ છે તો પછી હવે તેણે વધુ શું સાબિત કરવાનું બાકી છે? અજિત આગરકર ઍન્ડ કંપની આ વિશે ખુલાસો કરશે? શમીની ‘હકાલપટ્ટી’ થઈ એમ તો ન કહેવાય, પણ તેની ગેરહાજરીમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડના પ્રવાસમાં બુમરાહ ઉપરાંત આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, અંશુલ કમ્બોજ, શાર્દુલ ઠાકુર વગેરે બોલરોને અજમાવ્યા હતા, પરંતુ ટીમને બુમરાહ તથા શમીને બાદ કરતા બીજો કોઈ ભરોસાપાત્ર વિકેટ-ટેકિંગ પેસ બોલર નથી મળ્યો. શું આ બધા બોલર્સમાં મોહમ્મદ શમી જેવું સામ્થર્ય છે ખરું? શમીની વધુ અવગણના કરતા પહેલાં પસંદગીકારો ‘સો વખત વિચારે’ કે દક્ષિણ આફ્રિકાની ઝડપી બોલર્સને મદદ કરતી પિચો પર મોહમ્મદ શમીથી સારો કોઈ બોલર છે? જો ન હોય તો શમીને ભારતીય ટીમમાં કમબૅક આપવામાં ખચકાટ ન અનુભવો અને વહેલાસર તેને ફરી ટીમમાં સમાવી જ દો.
વૈભવ સૂર્યવંશીને વાઇસ-કૅપ્ટન બનાવવામાં ઉતાવળ થઈ હોય એવું નથી લાગતું?
ટી-20 ક્રિકેટ એટલે કે મર્યાદિત ઓવરના ફૉર્મેટમાં વૈભવ સૂર્યવંશીની ગણના ‘સિક્સરોના રાજા’ તરીકે થવા લાગી છે અને ‘રેડ’ બૉલની ફૉર્મેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટમાં તેણે ગજુ કાઢવાનું હજી બાકી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તો તે હજી પા...પા...પગલી માંડી રહ્યો છે ત્યારે 15 વર્ષની કુમળી વયે તેને ડોમેસ્ટિક ક્રિકેટની મહત્ત્વની ટૂર્નામેન્ટની ટીમનો વાઇસ-કૅપ્ટન બનાવવાનું પગલું શું યોગ્ય કહેવાય? થોડી ઉતાવળ થઈ ગઈ હોય એવું નથી લાગતું?
વૈભવને દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ માટેની ઈસ્ટ ઝોનની ટીમનો ઉપ-સુકાની બનાવાયો છે. ઇશાન કિશનને કૅપ્ટન્સી સોંપાઈ છે, પણ જેનો હજી મૂછનો દોરો પણ નથી ફૂટ્યો એવા ‘ક્રિકેટના વૈભવી’ વૈભવને ઉપ-સુકાનીનો મુગટ પહેરાવવામાં કંઈક જલ્દબાજી થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. ફક્ત આઠ રણજી મૅચ રમનાર આ લબરમુછિયાને હજી ત્રણ-ચાર દિવસની ‘રેડ’ બૉલની મૅચોનો પૂરતો અનુભવ તો લેવા દો. અત્યારથી શા માટે તેના પર કાંટાળા તાજનો ભાર નાખો છો. ઈસ્ટ ઝોનની ટીમમાં મોહમ્મદ શમી અને અનુભવી ઓપનર અભિમન્યુ ઈશ્ર્વરન તો છે તો પછી શા માટે વૈભવના ખભે આટલી મોટી જવાબદારી નાખો છો. આ નિર્ણય પાછળનું કારણ કળાતું નથી. શું સિલેક્ટરો એ ભૂલી ગયા છે કે ‘ઉતાવળે આંબા ન પાકે.’
ઓડિશાના ભૂતપૂર્વ ખેલાડી પ્રવન્જન મલિકનું એવું માનવું છે કે ઉપ-સુકાનીની ઉપમાથી વૈભવ જલદી પરિપકવ ખેલાડી બની જશે. આપણે પણ એવું જ ઇચ્છીએ, પરંતુ કૅપ્ટન તરીકે તો ઇશાન કિશન પણ હજી નવો છે ત્યારે દુલીપ ટ્રોફીમાં ચાલુ મૅચે વૈભવ શું ઇશાન કિશનને સલાહ આપી શકશે કે હવે બોલિંગમાં ફેરફાર કરવો યોગ્ય છે કે નહીં? કે પછી કોને ફીલ્ડિંગમાં ક્યાં ઊભો રાખવો? ઇશાન કિશન કોઈ કારણસર મેદાન પર નહીં હોય તો શું વૈભવ ટેસ્ટના વિસરાઈ ગયેલા ઝડપી બોલર મોહમ્મદ શમીને કોઈ સૂચન કરશે? ખરેખર તો સિલેક્ટરોએ વૈભવના નાજુક ખભે વાઇસ-કૅપ્ટન્સીનો ‘સવા મણ’નો ભાર નાખ્યો છે.
ઇંગ્લૅન્ડમાં બધાએ જોયું કે વૈભવને શૉર્ટ પિચ્ડ બૉલ સામે કે સ્વિંગ બોલિંગ સામે રમવામાં તકલીફ થતી હતી. તેની આવી બધી ટેક્નિકલ ક્ષતિઓ તો પહેલાં દૂર થવા દો. તે વધુને વધુ મૅચો રમીને ઘડાય એ પહેલાં તેના પર વાઇસ-કૅપ્ટન્સીનો બોજ નાખવાનો શું મતલબ? તેને હજી કમળની જેમ પૂરો ખીલવા તો દો. ક્રિકેટ રસિકોને યાદ હશે કે (જુનિયર) નવાબ ઑફ પટૌડી-મન્સુર અલી ખાન પટૌડી 21 વર્ષ અને 77 દિવસના હતા ત્યારે તેમણે કૅપ્ટન્સી સંભાળી હતી.
નરી કૉન્ટ્રૅક્ટરને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે બૉલ વાગતાં માથામાં ગંભીર ઈજા થઈ હતી જેને પગલે પટૌડીને જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો હતો. પટૌડી ઉપ-સુકાની બન્યા એ પહેલાં તેમને ટેસ્ટ ક્રિકેટનો સારો અનુભવ હતો અને કાઉન્ટી ક્રિકેટમાં તેઓ રનનો ઢગલો કરી ચૂક્યા હતા. ફરી વૈભવની વાત પર આવીએ તો તેને હજી પૂરો ખીલવા દેવો જોઈએ. તેને પરિપકવ થવા દો અને પછી ઉપ-સુકાની કે સુકાની બનાવો. એવું કરશો તો ભારતીય ક્રિકેટને સમૃધ્ધ થવાનો લાભ મળે અને વૈભવની કારકિર્દીને ચાર ચાંદ લાગી જાય એવી શુભેચ્છા.