Tue Apr 28 2026

Logo

ન કોઈની મદદ, ન કોઈની ઉશ્કેરણી એકલા હાથે જ આતંકવાદી અટૅકને અંજામ

2026-04-28 20:41:34
Author: Yogesh C Patel
Article Image

‘લૉન વૂલ્ફ’ આતંકવાદી અન્સારી પરિવાર સાથે અમેરિકા રહી આવ્યો હતો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની જેમ મીરા રોડમાં ધર્મ પૂછીને અને કલમા પઢવાનું કહીને હિન્દુ સિક્યોરિટી ગાર્ડ્સ પર કરવામાં આવેલો હુમલો ‘લૉન વૂલ્ફ અટૅક’ હોવાનું મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)નું કહેવું છે. ઉચ્ચ શિક્ષિત આરોપી અન્સારી તેના પરિવાર સાથે અમેરિકા રહી આવ્યો હતો અને કોઈની મદદ કે ઉશ્કેરણી વિના માત્ર ઑનલાઈન કટ્ટરપંથી બનીને તેણે આ અટૅકને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.

મીરા રોડમાં વૉકહાર્ટ હૉસ્પિટલ પાછળની નિર્માણાધીન ઈમારતના સિક્યોરિટી ગાર્ડ્સ રાજકુમાર મિશ્રા અને સુબ્રતો રમેશ સેન પર ચાકુથી હુમલો કરવાના કેસમાં નયા નગર પોલીસે સોમવારે ઝૈબ ઝુબેર અન્સારી (31)ની ધરપકડ કરી હતી. તેના ઘરમાંથી વાંધાજનક દસ્તાવેજો મળતાં કેસની તપાસ એટીએસને સોંપવામાં આવી હતી. આ પ્રકરણે એટીએસે કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. 


દરમિયાન ધરપકડ કરાયેલા આરોપી અન્સારીને મંગળવારે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ચોથી મે સુધીની એટીએસ કસ્ટડી ફટકારી હતી. અન્સારી ઘટનાસ્થળેથી 200 મીટરના અંતરે આવેલી સ્મિતા રિજન્સી બિલ્ડિંગના ફ્લૅટમાં એકલો રહેતો હતો.

એટીએસના અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમદર્શી આ ‘લૉન વૂલ્ફ અટૅક’ જણાય છે. લૉન વૂલ્ફ એવા પ્રકારનો હુમલો છે, જેમાં આતંકવાદી અથવા અન્ય વ્યક્તિની મદદ કે કોઈ સંગઠનની ઉશ્કેરણી વિના એકલા હાથે આતંકવાદી હુમલો પાર પાડવામાં આવે.

અન્સારીના હુમલામાં રાજકુમાર મિશ્રા ગંભીર રીતે ઘવાયો હતો. બેમાંથી એક વૉચમૅને પોલીસને કહ્યું હતું કે અન્સારીએ મસ્જિદ નજીકમાં ક્યાં આવી છે તે અંગે પૂછ્યું હતું. જોકે મસ્જિદ બાબતે તેમને જાણ ન હોવાનું વૉચમૅને કહ્યું હતું. પછી બન્નેને તમે હિન્દુ છો? એવું પૂછીને અન્સારી ત્યાંથી જતો રહ્યો હતો.
થોડી જ સેકન્ડમાં અન્સારી પાછો ફર્યો હતો. સિક્યોરિટી ગાર્ડ્સને તેમના ધર્મ વિશે પૂછીને કલમા પઢવાનું કહ્યું હતું. પછી એકાએક તેણે ખીસામાંથી ચાકુ કાઢી બન્ને પર હુમલો કર્યો હતો. સારવાર માટે સિક્યોરિટી ગાર્ડ્સને વૉકહાર્ટ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. આ પ્રકરણે નયા નગર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીને દોઢ કલાકમાં જ પકડી પાડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં એટીએસને જાણવા મળ્યું હતું કે આરોપી અન્સારી પરિવારજનો સાથે 2000થી 2020 સુધી અમેરિકામાં રહ્યો. વર્ક પરમિટ પૂરી થતાં તે ભારત પાછો ફર્યો હતો. શરૂઆતમાં મુંબઈના કુર્લા પરિસરમાં અને પછી નવી મુંબઈના વાશી વિસ્તારમાં તે અમુક સમય રહ્યો હતો. અફઘાન મૂળની પત્ની તેને છોડીને ફરી અમેરિકા જતી રહી હોવાથી 2022થી તે મીરા રોડની સ્મિતા રિજન્સી બિલ્ડિંગમાં એકલો રહેતો હતો. 

ઉલ્લેખનીય છે કે 2024માં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી માટે નીકળેલી રૅલી દરમિયાન મીરા રોડમાં જ કોમી તંગદિલી ફેલાઈ હતી.