થાણે: 2017માં મીરા રોડ વિસ્તારમાં નાણાકીય વિવાદમાં ફળવિક્રેતાની હત્યા કરવા બદલ થાણે જિલ્લાની કોર્ટે બે આરોપીને જનમટીપની સજા ફટકારી હતી. એડિશનલ સેશન્સ જજ ડી. એસ. દેશમુખે મીરા રોડના સુનીલકુમાર બિતુલી રજક (45) અને જારખંડના સુદીપકુમાર રાજુ રવિદાસ (33)ને ગુનાહિત કાવતરું અને હત્યા બદલ દોષી ઠેરવ્યા હતા અને પ્રત્યેકને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જોકે કોર્ટે પુરાવાના અભાવે બે આરોપી ઉમેશ રાજુ રવિદાસ અને આશિષકુમાર તિલક ભુતિયાને નિર્દોષ જાહેર કર્યા હતા.
આરોપી સુનીલકુમાર રજકને આર્મ્સ એક્ટ હેઠળના આરોપમાં પણ દોષી ઠેરવાયો હતો અને તેને વધુ ત્રણ વર્ષની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો. ફરિયાદ પક્ષ અનુસાર પાંચમી એપ્રિલ, 2017ની રાતે આ ઘટના બની હતી. શામુ લોહારી ગૌડ તેના ઘરમાં હતો અને એક વ્યક્તિ માટે તેણે દરવાજો ખોલ્યો હતો, જેણે પોતે પડોશી હોવાનો અને તેની ચાવી ખોલાઇ ગઇ હોવાનો દાવો કર્યો હતો. શામુ ગૌડે દરવાજો ખોલતાં તેના છાતીમાં ગોળી મારવામાં આવી હતી.
એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર રેખા હિવરાલેએ આરોપીઓ સામે આરોપ પુરવાર કરવા ફરિયાદ પક્ષના પચીસ સાક્ષીદારને ચકાસ્યા હતા. આ કેસ સાંયોગિત પુરાવાર પર આધારિત હતો, કારણ કે કોઇ પણ સાક્ષીદારે ગોળીબાર કરનારાનો ચહેરો સીધો જોયો નહોતો, પરંતુ કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષે સફળતાપૂર્વક હેતુ સ્થાપિત કર્યો હતો. શામુ લોહારીએ 1.5 લાખ રૂપિયા રજક પાસેથી ઉછીના લીધા હતા, જ્યારે તે અગાઉના હત્યા કેસમાં ઝારખંડ જેલમાં હતો.
40 પાનાંના ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે નાણાકીય વ્યવહાર ગુનાના હેતુ માટેનો આધાર હતો અને તે સંપૂર્ણપણે સ્થાપિત થયો છે. દોષિત ઠેરવાયેલા આરોપીઓ મોબાઇલ પર એકબીજાના સંપર્કમાં હતા અને તેમના મોબાઇલનું લોકેશન મૃતકના ઘર નજીક હતું. (પીટીઆઇ)