Thu Oct 01 2026

Logo

સાત સમંદર પારઃ હુતીઓની એન્ટ્રી પછી મિડલ-ઈસ્ટનું કોકડું બરાબર ગૂંચવાયું છે...

2026-09-23 07:51:11
Author: Ravi Nayak
સાત સમંદર પારઃ હુતીઓની એન્ટ્રી પછી મિડલ-ઈસ્ટનું કોકડું બરાબર ગૂંચવાયું છે...

રવિ નાયક

પહેલા પાકિસ્તાનીઓની વાત કરીએ. એ લોકો કર્મના માઠા ફળ ભોગવી રહ્યા છે. થયું છે એવું કે મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે ઓઇલનો ખજાનો ધરાવતા સઉદી અરેબિયા સહિતના કેટલાક મુસ્લિમ દેશોને અમેરિકા પર પહેલા જેવો ભરોસો નથી રહ્યો. કદાચ ટ્રમ્પનો મિજાજ જ એવો છે કે આજકાલ દુનિયાના કોઈ દેશને અમેરિકા પર ભરોસો નથી રહ્યો. 

આ બાજુ પાકિસ્તાનનું દાયકાઓ જૂનું એક સ્વપ્ન છે મુસ્લિમ બ્રધરહુડના નામે ઇસ્લામિક વર્લ્ડના સંરક્ષક બનવાનું, અને એ રીતે આરબ કન્ટ્રીઝ પાસેથી તગડા ફન્ડ્સ મેળવવાનું. આજની તારીખે કોઈ આરબ દેશ લશ્કરી દ્રષ્ટિએ પાકિસ્તાન જેટલો પાવરફુલ નથી. કેમકે કોઈની પાસે ન્યુક્લિયર પાવર નથી.

આ સંજોગોમાં સ્વાભાવિક રીતે પાકિસ્તાન મિડલ-ઈસ્ટના ઇસ્લામિક દેશોના પ્રોટેકટર તરીકે ઊભરવાની કોશિશ કરે. આ માટે સઉદી અરેબિયાની સંમતિ સહુથી મહત્ત્વની ગણાય. પ્રવર્તમાન સંજોગોમાં પાકિસ્તાની શાસકોએ મૌકે પર ચૌકા મારતા હોય એ રીતે તુર્કી અને સઉદી અરબ સાથે ‘મક્કા જોઇન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ’ નામે સંધિ કરી. આ સંધિ મુજબ ત્રણમાંથી એકેય દેશ પર હુમલો થાય તો ત્રણેય દેશ એ હુમલાનો જવાબ આપવા મેદાને ઉતરશે. 

આ સંધિ પછી ભારતમાં પણ ઘણાને ચિંતા થયેલી કે હવે પાકિસ્તાનને ‘ઓપરેશન સિંદૂર’ જેવો જડબાતોડ જવાબ નહિ આપી શકાય. અપાય તો નાહક સઉદી અરેબિયા અને તુર્કી સાથે પણ બિનજરૂરી રીતે યુદ્ધમાં ઉતરવાની નોબત આવે.. પાકિસ્તાન પણ કદાચ અંદરખાને આવા જ ભ્રમમાં હશે. સઉદી અરબ પર હુમલો કરવાનું તો આમે ય કોઈ ન વિચારે કેમકે સાઉદીના પેટ્રો પાવર ઉપરાંત અહીં મુસ્લિમોની શ્રધ્ધાનું કેન્દ્ર મક્કા છે. 

પણ પાકિસ્તાનની ખુશી થોડા દિવસોમાં જ વિલાઈ ગઈ. કેમકે ઈરાન-અમેરિકાની જંગમાં યમનના હુતી બળવાખોરો કૂદી પડ્યા. એટલું જ નહિ, એમણે સઉદી અરેબિયા ઉપર પણ હવાઈ હુમલાઓ કર્યા. અરે, વાત તો ત્યાં સુધીની છે કે હુતીઓએ પવિત્ર સ્થળ મક્કાને ય હુમલાઓમાંથી બાકાત નથી રાખ્યું! આ પછી પાકિસ્તાનની દશા બગડી.

સંધિ પ્રમાણે સઉદી તરફે યુદ્ધમાં ઊતરે તો માથાભારે ઈરાન અને રાતા સમુદ્રમાં ચાંચિયાગીરી કરીને કેર વર્તાવવા માટે જાણીતા હુતીઓ સામે દુશ્મની થઇ જાય. હુતીઓ આમે ય પાકિસ્તાનીઓ ને ખુલ્લી ચેતવણી આપી ચૂક્યા છે. હાલ પૂરતું તો પાકિસ્તાને ડિફેન્સ કરારને પિંડલું વાળીને ક્યાંક સંતાડી દીધો હોય એવી પરિસ્થિતિ છે. પ્રશ્ન એ છે કે આ હુતી લડાકુઓ છે કોણ? ક્યાંથી આવ્યા? એમને સઉદી સામે શું પ્રોબ્લેમ છે?

વાત પશ્ચિમ એશિયાઈ દેશ યમનની છે. અહીં શિયા પંથના લોકોની આબાદી 35-40 ટકા જેટલી છે. બાકીનો મોટો ભાગ સુન્ની મુસલમાનોનો છે. શિયામાં ય વળી ઝૈદી અને ઈસ્માઈલી એમ બે પંથ છે. ઝૈદી શરૂથી જ રાજકીય રીતે બોલકા છે. ઈરાન અને સઉદી અરબ વચ્ચેના હાલનો સંઘર્ષ ઘણા માટે આશ્ચર્યજનક છે, પણ હકીકતે આ બંને પ્રાદેશિક શક્તિઓ વર્ષોથી યમનમાં પ્રોક્સી વોર લડી રહી છે. 

સઉદી અરબ યમનને લશ્કરી સહાય આપીને શિયા પંથના ઝૈદીઓને કચડવામાં વ્યસ્ત છે. બીજી તરફ શિયાપંથી દેશ ઈરાન સાઉદી વિરુદ્ધ લડતા ઝૈદી શિયાઓને તમામ પ્રકારનું સમર્થન આપે છે. ઝૈદીઓનું સંગઠન ‘અંસાર અલ્લાહ’ એટલે કે અલ્લાહના સમર્થક તરીકે ઓળખાય છે. એના મુખ્ય નેતા હતા હુસૈન બદરૂદ્દીન અલ-હુતી. એમના નામ પરથી સંગઠન પણ ‘હુતી’ તરીકે ઓળખાયું. 2004માં યમનની સરકારે હુસૈન બદરૂદ્દીનની હત્યા કરી, એ પછી હુતીઓનો રોષ ભભૂકી ઉઠ્યો અને માત્ર રાજકીય પ્રવૃત્તિઓથી આગળ વધીને તેઓ સશસ્ત્ર સંઘર્ષમાં ઊતરી પડ્યા. અત્યારે ઉત્તર-પશ્ર્ચિમી યમન ઉપર આ હુતીઓનો જ કબજો છે.

હુતીઓએ હથિયાર ઉઠાવ્યા એનો સૌથી મોટો લાભ ઈરાનને થયો. ઈરાને એમને ભરપૂર શસ્ત્રો, ભંડોળ અને લશ્કરી તાલીમ આપીને એક નાના ક્દની સેનાની જેમ ઉછેર્યા છે. ઈરાનને ઇશારે હુતીઓ ગમે એની સાથે લડવા તૈયાર થઇ જાય. યુરોપને પેટ્રોલિયમ પૂરું પાડવા માટે ક્ાં તો હોર્મુઝના અખાત પર આધાર રાખવો પડે અથવા રાતા સમુદ્રમાં થઈને સુએઝ કેનાલને માર્ગે પેટ્રોલિયમ પુરવઠો યુરોપ સુધી પહોંચાડવો પડે. હોર્મુઝ પહેલેથી જ ઈરાનના કબજામાં છે. હવે ઈરાનનો હેતુ હુતી બળવાખોરોની મદદ વડે રાતા સમુદ્ર પર કબજો જમાવવાનો છે.

આ બધું જોતા સમજાય છે કે મધ્ય-પૂર્વની હાલની કટોકટી માત્ર ઈરાન-અમેરિકા સંઘર્ષ પૂરતી સીમિત નથી. બલકે એમાં સાઉદી અરેબિયા, યુએઈ, યમન અને ઇઝરાયેલ પણ સીધા સંડોવાયેલા છે. કેમકે સાઉદી અરબે હુતીઓ અને ઈરાનથી બચવા માટે પોતાના સંધિ-સાથીઓ પાકિસ્તાન કે તૂર્કીને બદલે કટ્ટર દુશ્મન ઇઝરાયેલ પાસે મદદ માગી છે.

એકાદ મોટું છમકલું થશે તો આ બધા દેશ સામસામે આવી જશે એ નક્કી જ છે. એમાં વળી ‘નાટો’ દેશોનું સભ્ય એવું તૂર્કી કોઈક રીતે યુદ્ધમાં સંડોવાય તો ‘નાટો’ની સંધિ મુજબ યુરોપ પણ યુદ્ધમાં વહેલું-મોડું સંડોવાયા વિના ન રહે.

આમ ફરી એક વધુ વિશ્વયુદ્ધ ખેલાય અને સાતે ય સમંદર એની અસરમાં આવી જાય એવી શક્યતાઓ ક્ષિતિજે ડોકાઈ રહી છે. આ આખા સિનારિયોમાં રશિયા-ચીન અને ભારતનું વલણ બહુ મહત્ત્વનું બની રહે એમ બને. હાલમાં તો કોકડું એવું ગૂંચવાયું છે કે ટ્રમ્પ સહિતના તમામ નેતાઓ એમાંથી બહાર નીકળવાના નિષ્ફળ ધમપછાડા કરી રહ્યા છે.
દેખિયે, આગે આગે હોતા હૈ ક્યા!