Sat Sep 05 2026

Logo

મહેસાણા પ્રેમલગ્ન વિવાદમાં પાટીદાર સમાજના ભારે વિરોધ બાદ આખરે ડૉ. સ્મિતના પરિવાર સામે FIR દાખલ

2026-08-22 16:31:49
Author: Devayat Khatana
મહેસાણા પ્રેમલગ્ન વિવાદમાં પાટીદાર સમાજના ભારે વિરોધ બાદ આખરે ડૉ. સ્મિતના પરિવાર સામે FIR દાખલ

મહેસાણા: તાજેતરમાં જ મહેસાણામાં ડૉ. ચાંદની અને ડૉ. સ્મિત પરમારના પ્રેમલગ્નનો મામલો ગરમાયો છે, જેમાં પાટીદાર સમાજના ધરણા અને ભારે વિરોધ બાદ આખરે ડૉ. સ્મિતના પરિવારજનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહેસાણા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાલનપુરના સદરપુર ગામે રહેતા 50 વર્ષીય નીતાબેન પટેલે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર, તેમની 25 વર્ષીય દીકરી ચાંદની અમદાવાદની બત્રાસ હોસ્પિટલમાં નોકરી કરતી હતી. આ દરમિયાન તેણે પરિવારની જાણ બહાર અને મરજી વિરુદ્ધ મહેસાણાના ડૉ. સ્મિત પરમાર સાથે આશરે એક મહિના અગાઉ પ્રેમલગ્ન કરી લીધા હતા.  

દીકરીના આ નિર્ણયથી વ્યથિત થયેલા માતા નીતાબેન ગત 18 ઓગસ્ટ ના રોજ મહેસાણાની શિવ વાટીકા ચામુંડા ચોકડી ખાતે આવેલા ડૉ. સ્મિત પરમારના ઘરે દીકરીની શોધખોળ કરવા અને તેને સમજાવવા ગયા હતા. નીતાબેન પોતાની દીકરીને ઘરે સમજાવી રહ્યા હતા પરંતુ તે તેમના કહ્યામાં ન હોવાનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ જ સમયે ચાંદનીને તેના ભાઈઓ ત્યાંથી લઈ જઈ રહ્યા હતા, ત્યારે સ્મિત પરમારના ઘરના સભ્યો અને તેમના અન્ય ભાઈઓએ એકદમ ઉશ્કેરાઈ જઈને નીતાબેનને પકડી લીધા હતા. આરોપીઓએ તેમની સાથે જબરજસ્તી ખેંચતાણ કરી હતી અને ભેગા મળીને ઘરમાં લઈ જઈ તેમના કપડાં ખેંચીને સખત મારઝૂડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ કેસ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(2), 74 અને 54 હેઠળ વિધિવત રીતે ગુનો દાખલ કર્યો છે. એફઆઈઆર મુજબ, ઘટના 18 ઓગસ્ટે બપોરે 3.30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે પોલીસને ફરિયાદ અંગેની માહિતી 21 ઓગસ્ટે રાત્રે 11.45 વાગ્યે મળી હતી. પોલીસ દ્વારા કેસની નોંધણી કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની તપાસ દરમિયાન ઘટનાસ્થળ, સંડોવાયેલા લોકો તથા સમગ્ર બનાવ અંગેની હકીકતો ચકાસવામાં આવશે. પ્રેમલગ્ન મુદ્દે યુવતીની માતા સાથે થયેલી આ કથિત મારઝૂડ અને પાટીદાર સમાજના આક્રોશને પગલે પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.