Mon Aug 31 2026

Logo

મરાઠવાડામાં ઓછા વરસાદને કારણે ખેતીલાયક વિસ્તારમાં 3.5 લાખ હેક્ટરનો ઘટાડો

2026-08-25 19:51:11
Author: Mumbai Samachar Team
મરાઠવાડામાં ઓછા વરસાદને કારણે ખેતીલાયક વિસ્તારમાં 3.5 લાખ હેક્ટરનો ઘટાડો

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં ચાલુ સીઝન દરમિયાન સરેરાશ કરતાં ૨૦.૩ ટકા ઓછો વરસાદ નોંધાતાં ખેતી ક્ષેત્રે મોટી અસર જોવા મળી છે. કૃષિ વિભાગના આંકડા મુજબ, મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં સરેરાશ કરતાં ૨૦.૩ ટકા ઓછો વરસાદ થવાને કારણે આ વર્ષે ખેતીલાયક વિસ્તારમાં લગભગ ૩.૫ લાખ હેક્ટરનો ઘટાડો થયો છે.

વાવેતર વિસ્તાર ૪૬.૧૯ લાખ હેક્ટર છે, જે પાંચ વર્ષની સરેરાશ ૪૯.૭૨ લાખ હેક્ટરની સરખામણીએ સાત ટકા ઓછો અને ગયા વર્ષ કરતાં ૨ લાખ હેક્ટર ઓછો છે, તેમ તેમાં જણાવાયું છે.

મરાઠવાડા, જેમાં છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, પરભણી, નાંદેડ, હિંગોલી, ધારાશિવ અને લાતુર જિલ્લાનો સમાવેશ થાય છે, તેમાં ૪૭૯.૧ મીમી વરસાદ પડ્યો છે, જે અપેક્ષિત ૫૮૬.૧ મીમી સામે ૨૦.૩ ટકા ઓછો છે. અન્ય સત્તાવાર અહેવાલ મુજબ પરભણી (૩૪.૭ ટકા) અને લાતુરમાં (૪૦.૬ ટકા) ઓછો વરસાદ થયો છે.

કૃષિ વિભાગે જણાવ્યું છે કે આ ઘટાડો મુખ્યત્વે રોકડિયા પાકોમાં જોવા મળ્યો છે. કપાસના વાવેતર હેઠળનો વિસ્તાર ૨.૬૫ લાખ હેક્ટર ઘટીને ૧૨.૧૪ લાખ હેક્ટર થયો છે, જ્યારે શેરડીનું વાવેતર સરેરાશ ૩.૨૪ લાખ હેક્ટરથી ઘટીને ચાલુ સીઝનમાં માત્ર ૪૩,૮૨૧ હેક્ટર પર આવી ગયું છે. 

ખેડૂતો સોયાબીન, મકાઈ અને સૂર્યમુખીની ખેતી તરફ વળ્યા છે. સોયાબીન હેઠળના વાવેતર વિસ્તારમાં ૧૨ ટકાનો વધારો થઈને તે ૨૫.૭૪ લાખ હેક્ટર થયો છે, મકાઈનો વિસ્તાર ૫ ટકા વધીને ૨.૬૮ લાખ હેક્ટર થયો છે અને સૂર્યમુખીની ખેતી ૩૯ ટકા વધીને ૨,૨૮૯ હેક્ટર સુધી પહોંચી છે, તેમ તેમાં જણાવાયું છે.