નવી દિલ્હી: મણિપુરમાં આતંકવાદીઓએ આસામ રાઇફલ્સના કાફલા પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો, જેમાં બે જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. આ હુમલો શાંગશાક વિસ્તારના નુગશાંગ કોંગ ગામ નજીક થયો હતો. શહીદ થયેલા જવાનોની ઓળખ વોરંટ ઓફિસર બલવંત સિંહ અને રાઇફલમેન સી.એમ. સિંહ તરીકે થઈ છે. હુમલાની જાણ થતાં જ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓને ઝડપી પાડવા માટે મોટા પાયે સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી દીધું છે.
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, 40 આસામ રાઇફલ્સનો આ કાફલો પોતાના કેમ્પથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે આ સુનિયોજિત હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ રસ્તામાં આવતા એક પુલની બંને બાજુએ ત્રણ IED ગોઠવી રાખ્યા હતા. કાફલો પહોંચતા જ બે પ્રચંડ બ્લાસ્ટ કરવામાં આવ્યા અને ત્યારબાદ અનેક દિશાઓમાંથી આડેધડ ગોળીબાર શરૂ કરાયો હતો. આસામ રાઇફલ્સના જવાનોએ જવાબી કાર્યવાહી કરતા બંને પક્ષો વચ્ચે એક કલાક સુધી ભારે ગોળીબાર થયો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન જવાનોએ એક જીવંત IED પણ શોધીને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કર્યો હતો.
આ ઘાતક હુમલામાં કાફલાની ગાડીમાં સવાર બંને જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને શરૂઆતમાં શાંગશાક સ્થિત આસામ રાઇફલ્સ કેમ્પમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારી સારવાર માટે અન્ય મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, દુઃખદ રીતે સારવાર દરમિયાન બંને જવાનોએ દમ તોડી દીધો હતો. હાલમાં હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓની સઘન શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ પણ ઉગ્રવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
મણિપુરના મુખ્ય પ્રધાન યુમનામ ખેમચંદ અને રાજ્યના ગૃહ પ્રધાન ગોવિંદદાસ કોંથૌજમે આ હુમલાની આકરી નિંદા કરી છે. મુખ્ય પ્રધાને શહીદ જવાનોના પરિવારો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું હતું કે સરકાર આવી હિંસા કોઈપણ ભોગે સાંખી લેશે નહીં અને દોષિતોને ઝડપી પાડી કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Assam Rifles