Sun Jun 21 2026

Logo

મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો, લધુમતી સેલના પ્રમુખનું પણ ટીએમસીમાંથી રાજીનામું

2026-06-21 16:12:30
Author: Chandrakant Kanoja
Article Image

TMC


કોલકાતા: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો થયો છે. ટીએમસીના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. આ અંતર્ગત હવે ટીએમસી લધુમતી સેલમાં પણ ભંગાણ પડ્યું છે. જેમાં રાજ્ય લધુમતી સેલના પ્રમુખ મોશરફ હુસૈને રાજીનામું આપ્યું છે. 

 મોશરફ હુસૈન ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના જૂથમાં સામેલ થઇ શકે 

આ અંગે મળતી માહિતી મુજબ, મોશરફ હુસૈન ઉત્તર દિનાજપુર જિલ્લાના ઇટાહાર વિધાનસભા મતવિસ્તારમાંથી ટીએમસીના ધારાસભ્ય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોશરફ હુસૈન બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના જૂથમાં સામેલ થઈ શકે છે. તેમજ તેમના સામેલ થતા જ લધુમતી સેલના અન્ય સભ્યો પણ ટીએમસી છોડી શકે છે. 

વિધાનસભા અધ્યક્ષે 58 બળવાખોર નેતાઓને માન્યતા આપી

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે  મમતા બેનર્જીની ટીએમસીમાં ભંગાણ પડ્યું છે. જેમાં રાજ્ય વિધાનસભા અધ્યક્ષે 58 બળવાખોર નેતાઓને માન્યતા આપી છે. જેમાં હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીનો પણ સમાવેશ થાય છે. તેમજ ઋતબ્રત બેનર્જીને સત્તાવાર રીતે વિપક્ષના નેતા તરીકે માન્યતા આપી છે. 

અખારુઝમાનને મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા 

આ અંગે મળતી માહિતી મુજબ ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં 60 ધારાસભ્યોના એક જૂથે સ્પીકર રવિન્દ્ર નાથ બોઝને મળ્યા હતા અને દાવો કર્યો હતો કે તેઓ ટીએમસીના વાસ્તવિક જૂથનું પ્રતિનિધિત્વ કરે છે અને બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાની વિનંતી કરી હતી.ઋતબ્રત બેનર્જીએ કહ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા અધ્યક્ષે તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર જૂથને ધારાસભ્ય પક્ષનો દરજ્જો આપવાની માંગ સ્વીકારી લીધી છે. જ્યારે  અખારુઝમાનને મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.