Wed Jun 10 2026

Logo

મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો, સોનિયા ગાંધીએ પક્ષને કોંગ્રેસમાં વિલીન કરવા ઓફર આપી

Delhi   2026-06-10 15:55:01
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાંથી એક પછી એક નેતા રાજીનામાં આપી રહ્યા છે. જેના પગલે  ટીએમસીના અસ્તિત્વ પર પણ સંકટ ઉભું થયું છે. જેમાં 20 સાંસદોએ પાર્ટીમાંથી રાજીનામાં આપી દીધા છે. જ્યારે 80 માંથી 58 ધારાસભ્યોએ એક નવું જુથ બનાવી લીધું છે. તેવા સમયે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને તેમના પક્ષને કોંગ્રેસના વિલીન કરવાની ઓફર કરી છે. 

સાંસદ અભિષેક બેનર્જીને પાર્ટીના મહાસચિવનું પદ અપાશે 

આ અંગે મળતી માહિતી મુજબ સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને ટીએમસીમાં વિલય કરવા કહ્યું છે, જેના બદલામાં તેમને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવશે. જ્યારે મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીને પાર્ટીના મહાસચિવનું પદ પણ આપવામાં આવશે.

11 જૂને   કોંગ્રેસ પાર્ટીએ એક મોટી બેઠક બોલાવી 

સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને આપેલી ઓફર વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ એક મોટી બેઠક બોલાવી છે. કેસી વેણુગોપાલે જાહેરાત કરી કે 11 જૂને ઇન્દિરા ભવન ખાતે એઆઇસીસી  મહાસચિવો, પ્રભારીઓ અને રાજ્ય કોંગ્રેસ સમિતિઓના પ્રમુખોની બેઠક યોજાશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આ બેઠકની અધ્યક્ષતા કરશે.

રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી વચ્ચે પણ મુલાકાત થઇ 

આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી વચ્ચે પણ મુલાકાત થઇ હતી.  આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી.  જેમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને તાજેતરની પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પર ચર્ચા થઈ હતી.