Fri Jun 12 2026

Logo

એકસ્ટ્રા અફેર: મમતા માટે કૉંગ્રેસમાં ભળવાનો વિકલ્પ શ્રેષ્ઠ

2026-06-12 08:11:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે ભૂંડી રીતે હારી ગયેલાં મમતા બેનરજી પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે ઘરવાપસી કરીને કૉંગ્રેસમાં પાછાં આવી જાય એવો તખ્તો ઘડાઈ રહ્યો છે. તૃણમૂલ કૉંગ્રેસમાં પોતાની સામે થયેલા બળવાને પગલે દિલ્હી દોડી આવેલાં મમતા બેનરજીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ભીનો આવકાર આપ્યો ને કલાકો લગી ચર્ચા કરી પછી મીડિયામાં મમતા કૉંગ્રેસમાં જવા માગતાં  હોવાની વાતો વહેતી થઈ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, કૉંગ્રેસે મમતા બેનરજીને રાષ્ટ્રીય ઉપપ્રમુખપદ અને તેમના ભત્રીજા અભિષેક બેનરજીને મહામંત્રીપદની ઓફર કરી છે. મમતાના બીજા વફાદારોને પણ બંગાળ કૉંગ્રેસમાં સારા હોદ્દાની ખાતરી અપાઈ છે અને હવે મમતાએ નિર્ણય લેવાનો છે એવું મીડિયાના રિપોર્ટ કહે છે. મમતા કે કૉંગ્રેસના નેતાઓમાંથી કોઈ મગનું નામ મરી પાડીને આ વાત સાચી છે કે નહીં તેનો ફોડ પાડતા નથી પણ વાત ખોટી છે એવું પણ કહેતાં નથી તેના કારણે મમતા 30 વર્ષ પછી પાછાં કૉંગ્રેસમાં ઘરવાપસી કરે એવી શક્યતા નકારી શકાય નહીં.

મમતા માટે કૉંગ્રેસમાં ભળી જવું અત્યારે સારો નહીં પણ શ્રેષ્ઠ વિકલ્પ છે કેમ કે વિધાનસભાની ચૂંટણીમાં હરાવીને ભાજપે મમતાનો ગરાસ લૂંટી લીધો છે. આ હાર પછી તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્યો, સાંસદો એક પછી એક મમતાનો સાથ છોડી રહ્યા હોવાથી મમતા પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા ફાંફાં મારી રહ્યાં છે. આ ફાંફાંના ભાગરૂપે મમતાએ ધારાસભ્યો અને સાંસદોને મનાવવાની મથામણ કરી જોઈ પણ મેળ પડ્યો નથી. 

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મમતાની તૃણમૂલ કૉંગ્રેસના 80 ધારાસભ્યોમાંથી 59 ધારાસભ્યો નાફરમાની કરીને અલગ ચોકો રચીને પહેલાં જ બેસી ગયા હતા. એ પછી લોકસભામાં તૃણમૂલ કૉંગ્રેસના 28 સાંસદોમાંથી 20 સાંસદોએ નોખો ચોકો રચી નાખ્યો. તૃણમૂલ કૉંગ્રેસના રાજ્યસભામાં 13 સાંસદો છે ને તેમાંથી ત્રણ સાંસદોએ પણ રાજીનામાં ધરી દેતાં કુલ  23 સાંસદો અલગ થઈ ગયા છે. મમતાએ વરસોથી તૃણમૂલ કૉંગ્રેસ પર એકહથ્થુ સત્તા ચલાવી છે. મમતા સત્તામાં નહોતાં ત્યારે પણ ઘણા નેતા તેમને છોડીને ગયેલા પણ આટલા મોટા પાયે બગાવત કદી નહોતી થઈ કેમ કે અત્યારે તો મમતા સામે જ સૌએ બાંયો ચડાવી દીધી છે.

મમતા માટે એક સારી વાત એ છે કે, તૃણમૂલ કૉંગ્રેસના બાગીઓ ભાજપમાં ભળ્યા નથી. ત્રણ જૂને તૃણમૂલ કૉંગ્રેસમાં પહેલી વાર બળવો થયો ને  58 બળવાખોર ધારાસભ્યોએ કાઢી મુકાયેલા ધારાસભ્ય ઋતબ્રત બેનરજીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા હતા. આ ધારાસભ્યોએ  વિધાનસભા સ્પીકર રથીન્દ્ર બોઝને પત્ર આપીને  સત્તાવાર રીતે ઋતબ્રતને વિપક્ષના નેતા જાહેર કરવાની માગ કરેલી. સ્પીકરે આ માગ સ્વીકારીને ઋતબ્રતને વિપક્ષના નેતા બનાવી દીધા. આ બળવો મમતાના નિર્ણય સામે જ હતો પણ બળવાખોર ધારાસભ્યોએ ભાજપમાં ભળવાના બદલે પોતે સાચી તૃણમૂલ કૉંગ્રેસ છે એવું વલણ લીધું છે.

મહત્ત્વની વાત એ છે કે, તેમણે પોતાનાં નેતા મમતા બેનરજી જ હોવાનું પણ કહ્યું છે તેથી મમતા તેમના નિર્ણયને સ્વીકારીને ઋતબ્રતને આશીર્વાદ આપી દે તો આ બળવાની હવા નીકળી જાય. મમતા અક્કડમાં એવું નથી કરી રહ્યાં એ અલગ વાત છે પણ તેમના માટે એ રસ્તો ખુલ્લો જ છે. કાકોલી ઘોષના નેતૃત્વમાં તૃણમૂલ કૉંગ્રેસના 20 સાંસદોએ  બગાવત કરી પછી આઠ જૂને કાકોલી ઘોષે 20 લોકસભા સાંસદોના સમર્થન સાથેનો પત્ર સ્પીકર ઓમ બિરલાને મોકલીને અલગ જૂથ તરીકે માન્યતા આપવા વિનંતી કરી છે.

મમતાનાં નજીક મનાતાં  જાદવપુરના સાંસદ સાયોની ઘોષ, યુસુફ પઠાણ અને શત્રુઘ્ન સિન્હા સહિતનાં સાંસદોના આ જૂથને કદાચ મમતા ના મનાવી શકે પણ ધારાસભ્યોને તો મમતા મનાવી શકે તેમ છે જ એ જોતાં મમતા માટે પોતાનું ઘર સરખું કરવાનો વિકલ્પ છે જ પણ આ વિકલ્પ બહુ મહેનત માગી લે એવો છે. મમતા પાસે સત્તા હતી ત્યારે કોઈ તેમની સામે ચૂં કે ચાં નહોતું કરી શકતું કેમ કે મમતા દંડો ચલાવીને પોતાની હાલત બગાડી નાખે એવો ડર લાગતો. હવે મમતા પાસે સત્તા નથી તેથી દંડો નથી એટલે કોઈ તેમનાથી ડરવાનું નથી. આ સંજોગોમાં તૃણમૂલ કૉંગ્રેસની ગાડી પાટા પર લાવવામાં મમતા મેડમની હાલત કફોડી થઈ જાય.

મમતા 70 વર્ષનાં છે ને પહેલાં જેવું જોશ કે ઝનૂન તેમનામાં બચ્યું નથી. ઢળતી ઉંમરે આ બધા ઉધામા કરીને શું મળશે એ પણ નક્કી નથી પણ પોતાના ભત્રીજા અને પરિવારની સલામતી માટે મમતા રાજકારણ છોડી શકે તેમ નથી તેથી તેમના માટે સારો વિકલ્પ કૉંગ્રેસમાં પાછા ફરવાનો છે. મમતા 30 વર્ષ પહેલાં 1996માં કૉંગ્રેસની ઘરડા નેતાઓની ગેંગથી થાકીને કૉંગ્રેસ છોડી ગયેલાં ને એ વખતે કોઈએ મમતાને ગણકાર્યાં નહોતાં. 

બંગાળ પર 15 વર્ષ રાજ કર્યા પછી મમતાનું રાજકીય વજન બહુ વધી ગયું છે અને તેમની તાકાતને કોઈ અવગણી શકે તેમ નથી એ જોતાં કૉંગ્રેસમાં પણ તેમનો પડ્યો બોલ ઝિલાશે નહીં તેથી મમતાએ નાકલીટી તાણીને કૉંગ્રેસમાં જવાનું નથી. અત્યારે મલ્લિકાર્જુન ખડગે કૉંગ્રેસના પ્રમુખ છે ને  કૉંગ્રેસ તેમને દૂર કરીને મમતાને પ્રમુખપદે ના બેસાડી શકે પણ ભવિષ્યમાં મમતા કૉંગ્રેસનાં પ્રમુખ પણ બની શકે છે.

કૉંગ્રેસ માટે પણ મમતાને લેવાં ફાયદાનો સોદો છે. બંગાળમાં કૉંગ્રેસ સાવ પતી ગયેલી છે. ડાબેરીઓના સથવારે કૉંગ્રેસે બંગાળમાં ફરી બેઠા થવાની કોશિશ કરી જોઈ પણ મેળ પડ્યો નથી. અત્યારે કૉંગ્રેસની બંગાળમાંથી ના લોકસભામાં એક પણ બેઠક છે ને ના વિધાનસભામાં. ટૂંકમાં કૉંગ્રેસ ઝીરો પર છે. 

મમતાના આગમનથી તેને બંગાળમાં વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળશે ને લોકસભામાં પણ તેની તાકાત વધશે. મમતા ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે એ જોતાં બંગાળમાં કૉંગ્રેસને ફરી બેઠી કરવામાં પણ મદદરૂપ થશે. મમતા અત્યંત આક્રમક નેતા છે તેથી વિધાનસભા કે લોકસભામાં તેમની હાજરી ભાજપને ઊંચા જીવે રાખવામાં મદદરૂપ થશે એ જોતાં મમતાને લેવામાં કૉંગ્રેસ માટે વકરો એટલો નફો છે.

મમતા હવે શું કરે એ જોવાનું છે. કૉંગ્રેસે કરેલી ઓફરને એ સ્વીકારશે તો ફાયદામાં રહેશે. કૉંગ્રેસ અને તેમનું એમ બંનેનું ભલું થશે પણ મમતા અહંકારી છે. બંગાળમાં 15 વર્ષ સત્તા ભોગવી પછી આપખુદ પણ બની ગયાં છે એ જોતાં મમતા કૉંગ્રેસમાં ભળવાના બદલે એકલા હાથે ભાજપ સામે લડવાનું પસંદ કરે એવું પણ બને. તેમાં મમતા કંઈ કાંદા નહીં કાઢે કેમ કે આ 2026 છે, 1996 નથી ને સામે ભાજપ છે, ડાબેરીઓ નથી. ડાબેરીઓ ગુંડાગીરીના જોરે સત્તા ટકાવવામાં માનતા જ્યારે ભાજપ સામ, દામ, દંડ, ભેદ એ બધાં હથિયાર વાપરવામાં પાવરધો છે.