નવી દિલ્હીઃ દિલ્હીના માલવીયા નગરમાં ફ્લોરિસ સ્ટે હોટેલમાં લાગેલી આગમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બે-ત્રણ ડઝનથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના દરમિયાન હૌજરાની ગામના સ્થાનિકો તથા મેક્સ હોસ્પિટલના કર્મચારી, પોલીસ-ફાયર સ્ટાફે સાથે મળીને બચાવ અભિયાન હાથ ધર્યું હતું. વસીમ રાજા અને એમના સાથીઓએ ધુમાડાંને કારણે બેભાન થયેલા લોકોને CPR આપવાનું કામ કર્યું હતું, પરંતુ અમુકના મોઢા તો એકદમ કાળો પડી ગયો હતો, જેમાંથી અમુકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ અમુકને બચાવી શકાયા નહોતા.
21 લોકો જીવતા ભડથું થયા
દિલ્હીના માલવીયાનગરમાં આજે સવારે ફ્લોરિસ સ્ટે હોટેલમાં અચાનક મોટી આગ લાગતા 21 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. ઈમરજન્સી વિભાગની ટીમ યુદ્ધના ધોરણે દોડી આવી હતી. આગને નિયંત્રણમાં લેવા માટે ફાયર વિભાગની ટીમે સતત લાંબા સમય સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયરની અન્ય એક ટીમે ત્યાંથી લોકોને હોસ્પિટલ સારવાર માટે તથા સુરક્ષા સ્થળે ખસેડવા માટે પણ મદદ કરી હતી.

ઈજાગ્રસ્ત લોકોને ઝડપથી સારવાર મળે એ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે પણ ભીષણ આગ અને સતત ધુમાડાને કારણે અનેક લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ થઈ હતી. આ ઘટનાથી ભયભીત થઈને નાસી જવાના બદલે હિંમત કરીને લોકોના જીવન બચાવનાર વસીમ રાજાએ જણાવ્યું હતું કે, હૌજરાની ગામનો રહેવાસી છું, મેક્સ હોસ્પિટલમાં કામ કરૂ છું. અમને ટ્રેનિંગ આપવામાં આવી હતી કે, કોઈ પણ ઈમરજન્સી હાલતમાં કેવી રીતે કામ કરવું.
આગ નહીં ધુમાડાને કારણે બેભાન થયા
ખાસ કરીને લોકોને CPR કેવી રીતે આપવામાં આવે. ઓછા સમયમાં વધારે રાહતકાર્ય કેવી રીતે કરી શકાય. આગ જે તરફ પ્રસરી ન હતી ત્યાંથી અમે હોટેલની અંદર ગયા અને ત્યાં જ લોકોને CPR આપવાનું ચાલુ કરી દીધું, જે લોકોને ઈજા પહોંચી હતી એમને એમ્બ્યુલન્સ વાન સુધી પહોંચાડ્યા હતા. એ પછી અમે તરત જ વહીવટી તંત્રને જાણ કરી.એ ટીમ પણ સમયસર અહીંયા પહોંચી ગઈ હતી.

એ પહેલા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચાલું કરી દીધો હતો. જે લોકોના જીવ બચાવી શકાયા એ મારી સફળતા. સ્થિતિ એવી હતી કે, મોટા ભાગના લોકો અહીં આગને કારણે ભડથું થયા ન હતા, પણ ધુમાડાને કારણે બેભાન થયા હતા. જે લોકોને અમે મોઢેથી CPR આપ્યો એમનો સંપૂર્ણ ચહેરો આગને કારણે કાળો પડી ગયો હતો.
બેડશીટમાંથી સ્ટ્રેચર બનાવી દીધુ
અમે કોઈપણ ખચકાટ વગર એમને મોઢેથી શ્વાસ આપીને બચાવવા માટે પ્રયાસ કર્યા છે. આ કારણે ઘણા લોકોના જીવ બચ્યા છે. પણ બીજા ઘણા લોકો એવા છે જેને અમે બચાવી શક્યા ન હતા. અન્ય એક સાક્ષી મોહમ્મદ અફજલે કહ્યું કે, જ્યારે હું અહીંયા પહોંચ્યો ત્યારે હોટેલમાં આગ પ્રસરી ચૂકી હતી. અમે ત્યાંથી જ ગાદલા અને ચાદર લીધા અને નીચે પાથરી દીધા કારણે જો કોઈ વ્યક્તિ ઉપરથી કૂદકો મારે તો પણ એને એટલી ઈજા ન થાય. પોતાનો જીવ બચાવી શકે. ઘણાય લોકો કૂદકો મારવામાં સફળ રહ્યા. આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. એ પછી અમે જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડની ટીમ પહોંચ્યા બાદ પાણીનો મારો શરૂ થયો. પછી અમે અંદર ગયા અને લોકોને સુરક્ષિત રીતે બાહર કાઢ્યા. એમને પણ સુરક્ષિત સ્થળે લઈ ગયા. અહીંયા નજીકમાં અરમાન નામની દુકાનેથી ગાદલા અને બેડશીટ લઈ લીધી હતી. દુકાનના માલિકે પણ અમારી ઘણી મદદ કરી. ઈજાગ્રસ્ત લોકોને બાહર કાઢવા અમારી પાસે સાધન નહોતું. લોકને નીચે ઊતારવા સાધન ન હતું. આ માટે અમે બેડશીટથી સ્ટ્રેચર બનાવી દીધું.
આગથી બચવા માટે પાંચમા ફ્લોર પરથી લગાવી છલાંગ
એક સ્થાનિકે જણાવ્યું હતું કે, આગ નીચેના બેઝમેન્ટમાં આવેલા રેસ્ટોરાંમાં લાગી હતી, જે ઉપરના પાંચમા ફ્લોર સુધી પ્રસરી હતી. હોટેલના કાચ તોડીને લોકોને બચાવવામાં માટે અનેક લોકો દોડ્યા હતા. ત્રીજા ફ્લોર પરથી એક માતાએ પોતાના દીકરાને બાથમાં લઈને છલાંગ મારી હતી. એમને પણ થોડી ઈજા પહોંચી છે પણ દીકરો સુરક્ષિત છે.
આ હોટેલમાં આફ્રિકાના દેશના નાગરિકો પણ હતા, જે અહીંયા રેસ્ટોરાંમાં આવ્યા હતા તો કેટલાક ઉપરના ફ્લોર પર સ્ટે કરી ગયા હતા. કેટલાક આફ્રિકન નાગરિકો છે એની ચોક્કસ સંખ્યાની માહિતી મળી નથી. બેથી ત્રણ યુવાનો પાંચમા ફ્લોર પરથી છલાંગ લગાવી ગયા હતા. અમે નીચે ગાદલા અને ચાદર રાખી મૂકી હતી. પછી આસપાસમાંથી ઘણા લોકોએ ગાદલાઓ ઊઠાવી લીધા અને ચાદરને લંબાવી દીધી હતી. જેથી ઓછામાં ઓછી ઈજા થાય. કેવી રીતે આગ લાગી એ સામે આવ્યું નથી.