Fri Apr 17 2026

Logo

મલાડમાં જિમ ટ્રેનર બન્યો ‘બાબા’: વિધિ માટે બકરાનું કલેજું અને સ્મશાનની રાખ મગાવતો

2026-04-17 10:53:00
Author: Yogesh C Patel
Article Image

 

પોતાનામાં દિવ્ય શક્તિનો સંચાર હોવાનો દાવો કરતો બાબા મહિલાઓને સંતાનપ્રાપ્તિના ઉપાય બતાવતો: વિધિ માટે મહિલાઓને મધરાતે મેદાનમાં બોલાવતો: પોલીસે તેને લૉકઅપભેગો કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સમસ્યાઓનું નિરાકરણ કરી આપવાને બહાને નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાતે અનેક મહિલાઓનું જાતીય શોષણ કર્યાનું પ્રકરણ હજુ ચર્ચામાં છે ત્યારે મલાડના એક ‘બાબા’નું કારસ્તાન સામે આવ્યું છે. જિમ ટ્રેનરમાંથી બાબા બનેલો આરોપી દારૂ ઢીંચી અને સિગારેટ ફૂંકીને વિધિ કરવા માટે બકરાનું કલેજું તેમ જ સ્મશાનની રાખ મગાવતો હતો. મોટે ભાગે મહિલાઓને મધરાતે નજીકના મેદાનમાં વિધિ માટે બોલાવનારા બાબાને આખરે પોલીસે લૉકઅપભેગો કરી દીધો હતો.

દિંડોશી પોલીસે બુધવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રિધમ અશોક પાંચાળ (37) તરીકે થઈ હતી. કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારતાં પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે. આરોપી સામે ફરિયાદ કરવા 60થી વધુ રહેવાસી આગળ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ મલાડ પૂર્વના મંચુભાઈ રોડ પરની શિવસદન ચાલમાં રહેતો રિધમ ચાર વર્ષ અગાઉ મલાડના જ એક જિમમાં ટ્રેનર તરીકે કામ કરતો હતો. પછી એકાએક તે બાબા બની લોકોની સમસ્યાનું નિરાકરણ કરવાનો દાવો કરવા લાગ્યો હતો.

ફરિયાદમાં જણાવાયું હતું કે અલૌકીક શક્તિ પ્રાપ્ત થઈ હોવાથી શરીરમાં ભૈરવ દેવનો સંચાર હોવાનું બાબા કહેતો. ભૂતબાધા ઉતારવાર સાથે નોકરીમાં સફળતા, પિતૃદોષ અથવા કોઈ પણ કામ કરી આપવાની ખાતરી તે આપતો. આ માટે જરૂરી વિધિની જાળમાં તે લોકોને ફસાવતો.

વિધિ માટે બકરાનું કલેજું, કાળું કપડું, કાળા તલ, સ્મશાનની રાખ, લિંબુ, કાળી ઢીંગલી, દારૂની બૉટલ, સિગારેટ, અડદની દાળ, લાલ અને કાળું કંકુ, નવ પ્રકારનું મિક્સ ફરસાણ સહિતની વસ્તુઓ લાવવાનું બાબા કહેતો. વિધિ પહેલાં બાબા પોતે દારૂનું સેવન કરી સિગારેટ ફૂંકતો. પછી અમુક મંત્ર બોલીને બધી વસ્તુ કાળા કપડામાં બાંધીને આપતો. એ પોટલું ત્રણ રસ્તા મળતા હોય એવું સ્થાન અથવા ચોકમાં નાખવાનું કહેતો.
પોતે કહેલી પ્રક્રિયા પૂરી ન કરવામાં આવે તો ખરાબ પરિણામ ભોગવવાની ધમકી પણ બાબા આપતો હતો. મહિલાઓને સંતાનપ્રાપ્તિના ઉપાયનો દાવો પણ બાબા કરતો હતો. આ બધો જાદુટોણા તે પોતાના ઘરમાં અથવા નજીકના એક મેદાનમાં કરતો હતો. કહેવાય છે કે મહિલાઓ અને યુવતીઓને ખાસ વિધિ માટે મધરાતે મેદાનમાં બોલવતો હતો. 
બાબાની આવી હરકતથી કંટાળીને એક રહેવાસીએ પોલીસને લેખિત ફરિયાદ કરી હતી. પોલીસે અમુક દિવસ સુધી બાબા પર નજર રાખી તપાસ કરી હતી. આખરે બુધવારે તેને અઘોરી પ્રથા અને બ્લૅક મૅજિક પ્રતિબંધ કાયદા હેઠળ પકડી પાડવામાં આવ્યો હતો.