Fri Jun 05 2026

Logo

પંજાબમાં મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ: 2.5 કિલો IED સાથે બે આતંકીની ધરપકડ

2026-06-04 21:28:38
Author: Mumbai Samachar Team
Article Image

ચંદીગઢઃ પંજાબમાં મોહાલીના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન્સ સેલ(એસએસઓસી)એ સરહદ પારના આતંકવાદી નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવતા એક આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમને વિદેશમાં બેઠેલા એક આતંકવાદીના બે સાથીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી આરડીએક્સ આધારિત સંપૂર્ણ રીતે વિકસિત ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ(આઇઇડી) જપ્ત કરવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા લોકોમાં અમૃતસરના ગુજ્જરપુરાના રહેવાસી મણિ સિંહ(૩૨) અને અમૃતસરના ગિલવાલી ગેટના રહેવાસી અભિષેક કુમાર(૨૮)નો સમાવેશ થાય છે.

પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું કે જપ્ત કરાયેલા આઇઇડીનું વજન લગભગ ૨.૫ કિલોગ્રામ હતું. તે સંપૂર્ણ રીતે ઉપયોગ માટે તૈયાર હતું. સમગ્ર આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે. જેમાં હેન્ડલર્સ, સહયોગીઓ અને તેમના પરસ્પર સંબંધોનો સમાવેશ થાય છે.

ઓપરેશનની વિગતો આપતા પોલીસ મહાનિરીક્ષક(આઇજીપી) કાઉન્ટર ઇન્ટેલિજન્સ આશિષ ચૌધરીએ જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે પોલીસ ટીમોએ મોહાલીમાં વાયપીએસ ચોકની સામેના એક પાર્ક નજીક બંને શકમંદોને પકડી લીધા હતા. તેઓ વિસ્ફોટક ઉપકરણ સાથે બસ દ્વારા અમૃતસરથી મોહાલી આવ્યા હતા.

આઇજીપીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મણિ સિંહે તાજેતરમાં જ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી વિદેશમાં બેઠેલા એક હેન્ડલરનો સંપર્ક કર્યો હતો અને તેના સાળા અભિષેક કુમારનો પરિચય કરાવ્યો હતો.

તેમણે કહ્યું કે વાતચીત દરમિયાન વિદેશમાં બેઠેલા હેન્ડલરે કેટલાક કામના બદલામાં નાણાકીય મદદની ઓફર કરી હતી અને બંનેએ આર્થિક તંગીને કારણે તેના માટે કામ કરવા માટે સંમતિ વ્યક્ત કરી હતી. બીએનએસ અને વિસ્ફોટક પદાર્થો અધિનિયમની સંબંધિત જોગવાઇઓ હેઠળ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે.