(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ)એ સોમવારે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના મતવિસ્તારમાંથી 17 વિધાનપરિષદની બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી અને એક પેટાચૂંટણી 18 જૂને યોજવાની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર, પચીસમી મેના રોજ ઉમેદવારીપત્રો દાખલ કરીને, 18 જૂને મતદાન અને બાવીસમી જૂને મતગણતરી કરવામાં આવશે. બીજી જૂને નામાંકનપત્રોની ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ચાર જૂન છે.
મતદાન થનારા 16 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના મતદાર સંઘમાં સોલાપુર, અહમદનગર, થાણે, જળગાંવ, સાંગલી-કમ-સાતારા, નાંદેડ, યવતમાળ, પુણે, ભંડારા-ગોંદિયા, રાયગઢ-રત્નાગિરી-સિંધુદુર્ગ, નાસિક, વર્ધા-ચંદ્રપુર-ગઢચિરોલી, અમરાવતી, ઉસ્માનાબાદ-લાતુર-બીડ, પરભણી-હિંગોલી અને ઔરંગાબાદ-જાલનાનો સમાવેશ થાય છે. એક અલગ સૂચનામાં, ચૂંટણી પંચે નાગપુર સ્થાનિક સંસ્થા મતવિસ્તાર માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી. ભાજપના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ 2024માં વિધાનસભામાં ચૂંટણી જીત્યા બાદ આ બેઠક ખાલી કરી હતી.
આ બેઠકોમાંથી ઘણી બેઠકો માટે મતદાન 2022માં તેમના વર્તમાન સભ્યોની મુદત પૂરી થઈ ત્યારથી બાકી હતું. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ પણ મુલતવી હોવાથી પ્રક્રિયામાં વિલંબ થયો હતો. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026માં સ્થાનિક સંસ્થાઓ માટે ત્રણ તબક્કાની ચૂંટણી યોજી હતી. શાસક મહાયુતિને કાઉન્સિલની ચૂંટણીમાં ફાયદો થવાની ધારણા છે, કારણ કે તેમણે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં બહુમતી બેઠકો જીતી હતી. જે સભ્યોનો કાર્યકાળ અગાઉ સમાપ્ત થયો છે તેમાં સોલાપુરથી પ્રશાંત પરિચારક (અપક્ષ) અને અહમદનગર (અવિભાજિત એનસીપી)થી અરુણકાકા જગતાપ, જેઓ જાન્યુઆરી 2022માં એમએલસી તરીકે નિવૃત્ત થયા હતા, અને થાણેથી રવિન્દ્ર ફાટક (અવિભાજિત શિવસેના)ે જૂન 2022માં કાઉન્સિલમાંથી નિવૃત્ત થયા હતા.
ડિસેમ્બર 2022માં કાઉન્સિલના ઘણા સભ્યો નિવૃત્ત થયા, જેમાં જળગાંવથી ચંદુભાઈ પટેલ (ભાજપ), સાંગલી-સતારાથી મોહનરાવ કદમ (અવિભાજિત એનસીપી), નાંદેડથી અમરનાથ રાજુરકર (કોંગ્રેસ), યવતમાળથી દુષ્યંત ચતુર્વેદી (અવિભાજિત શિવસેના), પુણેથી અનિલ ભોસલે (અવિભાજિત એનસીપી) અને ભંડારા- ગોંદિયાથી પરિણય ફુકે (ભાજપ)નો સમાવેશ થાય છે.
રાયગઢ-રત્નાગિરી-સિંધુદુર્ગથી અનિકેત તટકરે (અવિભાજિત એનસીપી), નાસિકથી નરેન્દ્ર દરાડે (અવિભાજિત શિવસેના), વર્ધા-ચંદ્રપુર-ગઢચિરોલીનું પ્રતિનિધિત્વ કરતા રામદાસ આંબટકર (ભાજપ), અમરાવતીથી પ્રવિણ પોટે (ભાજપ), ઉસ્માનાબાદ-લાતુર-બીડથી સુરેશ ધસ (ભાજપ), અને પરભણી-હિંગોલીથી વિપ્લવ બાજોરિયા (અવિભાજિત શિવસેના) જૂન 2024માં નિવૃત્ત થયા હતા, જ્યારે ઔરંગાબાદ-જાલનાથી અંબાદાસ દાનવે (શિવસેના યુબીટી)નો કાર્યકાળ ઓગસ્ટ 2025માં સમાપ્ત થયો હતો.
ચૂંટણી પંચના જાહેરનામામાં જણાવાયું હતું કે સ્થાનિક સત્તામંડળના મતવિસ્તાર માટે ચૂંટણી ત્યારે જ યોજાઈ શકે છે જો તે અધિકારક્ષેત્રમાં ઓછામાં ઓછી 75 ટકા સ્થાનિક સંસ્થાઓ સંપૂર્ણ રીતે કાર્યરત હોય અને ઓછામાં ઓછા 75 ટકા મતદારો સ્થાન પર હોય.
78 સભ્યોની વિધાન પરિષદની આ 16 બેઠકો ભરવા માટેની દ્વિવાર્ષિક ચૂંટણીઓ તે સમયે માપદંડો પૂરા ન થવાને કારણે યોજાઈ શકી ન હતી, એમ તેમાં જણાવાયું છે.
"હવે, મહારાષ્ટ્રના સીઈઓએ જાણ કરી છે કે ઉપરોક્ત તમામ મતવિસ્તારોના સંદર્ભમાં આ માપદંડો પૂર્ણ થયા છે. તેથી, પંચે ઉપરોક્ત 16 સ્થાનિક સત્તામંડળોના મતવિસ્તારોમાંથી મહારાષ્ટ્ર વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે," સૂચનામાં જણાવાયું છે.