Sat Jun 20 2026

Logo

એકસ્ટ્રા અફેર: સંજયભરોસે ચાલતી ઉદ્ધવની શિવસેનામાં કોણ રહે?

2026-06-20 08:37:00
Author: Bharat Bharadwaj
Article Image

- ભરત ભારદ્વાજ

 

મહારાષ્ટ્રમાં હમણાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ઘમસાણ મચ્યું છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવની શિવસેનાના મહારાષ્ટ્રમાંથી કુલ 9 સાંસદો ચૂંટાયા હતા ને તેમાંથી 6 સાંસદોએ ઉદ્ધવની શિવસેના છોડી દેવાનું એલાન કરી દીધું છે. પક્ષપલટા ધારાની જોગવાઈ પ્રમાણે બે તૃતિયાંશ સાંસદો કે ધારાસભ્યો પક્ષ છોડે તો તેમને પક્ષપલટા ધારા હેઠળ ગેરલાયક ના ઠેરવી શકાય તેથી ત્રણ-ચાર દિવસ લગી ભારે ખેંચતાણ ચાલી. ઉદ્ધવના જૂથે પોતાની સાથે 4 સાંસદો હોવાનો દાવો કરીને દિલ્હીમાં પત્રકાર પરિષદ કરેલી. 

 

બળવાખોર 6 સાંસદોને પક્ષપલટા ધારો લાગુ પડે એમ નથી તેથી નવા જૂથ તરીકે માન્યતા મળવાની ઘડીઓ ગણતરી ગણાઈ રહી છે. આ 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જશે, ભાજપમાં જશે કે પછી અલગ જૂથ તરીકે અસ્તિત્વ ટકાવશે એ નક્કી  નથી પણ તેમના પગલે શિવસેનાના ધારાસભ્યોમાં પણ ફાટફૂટ પડી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના પાસે 24 ધારાસભ્યો છે તેમાંથી 19 ધારાસભ્યો બળવો કરીને અલગ થવાની ફિરાકમાં હોવાના સમાચાર છે. ધારાસભ્યોની ફાટફૂટના સમાચાર સાચા પડશે તો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું અસ્તિત્વ ખતરામાં આવી જશે. પાંચ ધારાસભ્યો ને 3 લોકસભાના સભ્યો સાથેની પાર્ટીની કિંમત શું હોય એ કહેવાની જરૂર નથી. 

 

શિવસેનાએ ભાજપ પોતાના સાંસદોને તોડી રહ્યો હોવાના આક્ષેપો કર્યા છે. ભાજપે દરેક સાંસદને 15-15 કરોડ રૂપિયા ઓફર કર્યા હોવાનો દાવો ઉદ્ધવના ખાસ મનાતા સંજય રાઉતે કર્યો છે. ભાજપ તોડફોડમાં પાવરધો છે ને નાણાંની તેની પાસે કમી નથી તેથી ભાજપે આ ખેલ પાડ્યો હોવાની રાઉતની વાત સાચી હોઈ શકે છે પણ સવાલ એ છે કે, ઉદ્ધવના સાંસદો વેચાવા માટે કેમ તૈયાર છે? ભાજપ અનૈતિકતા આચરી રહ્યો છે તો આ સાંસદો પણ અનૈતિકતા જ આચરી રહ્યા છે. ભાજપને તો લોકસભા ને રાજ્યસભામાં પોતાની સ્પષ્ટ બહુમતી કરવી છે તેથી તૃણમૂલ કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, શિવસેના એમ બધેથી સાંસદોને તોડી રહ્યો છે પણ આ બધા સાંસદો પોતાની કિંમત નક્કી કરીને તૂટી રહ્યા છે એ પણ વાસ્તવિકતા છે ને? 

 

આપણે બીજા બધા પક્ષોની વાત હમણાં બાજુ પર મૂકીએ ને માત્ર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની જ વાત કરીએ. ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાંથી સાંસદો તૂટી રહ્યા છે કેમ કે તેમને ઉદ્ધવ ઠાકરેની સાથે પોતાનું રાજકીય ભાવિ સલામત નથી લાગી રહ્યું. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પછી ઉદ્ધવ ઠાકરે સાવ નિષ્ક્રિય છે અને શિવસેનાને ફરી બેઠી કરવા માટે કશું નથી કરી રહ્યા. બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાની એક ઈમેજ ઉભી કરી હતી અને એક રાજકીય તાકાત બનાવી હતી. ઉદ્ધવ ઠાકરે બાપાની જૂની મૂડી પર ટકી રહેવા માગે છે. 

 

ઉદ્ધવ પાસે પોતાની કોઈ રાજકીય વિચારધારા નથી કે શવિસેનાને ફરી લોકપ્રિય બનાવવા માટેની કોઈ વ્યૂહરચના નથી. ઉદ્ધવ પોતાના દીકરા આદિત્યને રાજકીય વારસ બનાવવા માગે છે પણ આદિત્ય ઠાકરે પણ લાંબા સમયથી રાજકીય મોરચેથી ગાયબ છે તેથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો કારભાર સંજયભરોસે ચાલે છે. 

 

સંજય રાઉત જેવા  ઉદ્ધવ ઠાકરેની ચમચાગીરી કરી ખાનાર મનફાવે એ રીતે વર્તે છે તેના કારણે શિવસેનાનું ધોવાણ ઝડપી બન્યું છે તેથી સૌને પોતાના રાજકીય અસ્તિત્વની ચિંતા થઈ રહી છે. આ કારણે બધા ઉધ્ધવનો સાથ છોડી રહ્યા છે. ઉદ્ધવે આ ધોવાણ અટકાવવું હોય તો સતત સક્રિય રહેવું પડે, પોતાના નેતા અને કાર્યકરો સાથે સંવાદ કરવો પડે, પ્રજા સાથે સંવાદ કરવો પડે. 

 

ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતને પણ કાબૂમાં રાખવા જોઈએ ને શક્ય હોય તો ખંખેરી જ નાખવા જોઈએ કેમ કે રાઉત ઉદ્ધવ માટે બોજ બની ગયા છે. સંજય રાઉતે પહેલાં બફાટ પર બફાટ કરીને ઉદ્ધવની બુંદ બેસાડી દીધેલી. રાજકારણીઓનું બૌદ્ધિક સ્તર ઊંચું હોય એવી અપેક્ષા નથી હોતી તેથી બફાટ કરે એ હજુ ચલાવી લેવાય પણ રાઉત હવે ગાળાગાળી પર ઉતરી આવ્યા છે. બે દિવસ પહેલાં રાઉતે ઉદ્ધવનો સાથ છોડી જવા માગતા સાંસદોને જાહેરમાં ગાળાગાળી કરી હતી. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતાં રાઉતે શિવસેનાના પત્રકારોને ’સાલે’ જેવા શબ્દોથી તો નવાજેલા જ પણ બીજા પણ ખરાબ શબ્દો વાપરેલા.

 

આઘાતની વાત એ છે કે, સંજય રાઉતને પોતે કરેલી ગાળાગાળીનો જરાય અફસોસ પણ નથી. ગાળાગાળી અંગે સવાલ કરાયા ત્યારે રાઉતે એવો વાહિયાત બચાવ કર્યો કે, આ ગાળો નથી ને મહારાષ્ટ્રમાં તો લોકો આ રીતે જ બોલે છે. કયા મહારાષ્ટ્રમાં આવી ભાષા બોલાય છે તેની રાઉતને જ ખબર કેમ કે મહારાષ્ટ્રના બીજા નેતા કે સામાન્ય લોકોને જાહેરમાં મીડિયા સામે આવી ભાષામાં બોલતા કોઈને સાંભળ્યા નથી. પાનના ગલ્લે ઊભા રહીને ચાર દોસ્તાર એકબીજા સાથે વાત કરતા હોય ત્યારે આવી ભાષા બોલતા હશે, બાકી બીજા કોઈ આ ભાષા નથી બોલતા. 

 

રાઉતને પત્રકાર પરિષદ અને પાનના ગલ્લાની ભાષામાં ભેદ ના જણાતો હોય તો એ તેમનો સ્તર બતાવે છે. વધારે આઘાતની વાત એ છે કે, રાઉતે બે દિવસ પછી ફરી આ જ ભાષા વાપરીને શિવસેનાના સાંસદોને ભાંડ્યા છે. રાઉતને સવાલ કરવાનો મતલબ નથી કેમ કે તેમનો જવાબ આપણે પહેલાં જ સાંભળી લીધો છે પણ આ બીજી વારની ગાળાગાળી પછી ઉદ્ધવે વિચારવું જોઈએ કે, સંજય રાઉત જેવા લોકોની તેમને જરૂર છે કે પછી મીડિયા સામે સૌમ્ય રીતે રજૂ થાય એવા માણસની જરૂર છે? રાઉત જેવા લોકોના ભરોસે ઉદ્ધવ ઠાકરે પાર્ટી ચલાવવા માગે છે અને પોતાના સાંસદો કે ધારાસભ્યોને સાચવી રાખવા માગે છે? 

 

ઉદ્ધવે પહેલી વાર રાઉતને કશું કહ્યું નહીં એ જોતાં અત્યારે પણ એ કશું કહે એવી આશા ના રખાય ને આ જ વલણ શિવસેનાના સાંસદો કેમ ભાગી રહ્યા છે તેનો જવાબ છે. રાઉત જાહેરમાં આ રીતે વર્તતા હોય ને પ્રજાએ જેમને ચૂંટીને મોકલ્યા છે એ સાંસદોને ગાળો દેતા હોય તો ખાનગીમાં તો તેમની સાથે કેવો વ્યવહાર કરતા હશે? ઉદ્ધવ રાઉતના બકવાસ સામે આંખ આડા કાન કરી રહ્યા છે તેના પરથી તો એવું લાગે કે, ઉદ્ધવની શિવસેનામાં આ જ પ્રકારનું કલ્ચર છે. આ કલ્ચરમાં ટકવું અઘરું છે તેથી સાંસદો કે ધારાસભ્યો ઉદ્ધવને છોડીને જાય તેમાં નવાઈ નથી.