ખરીફ સિઝનમાં ખેડૂતોને પૈસાની તંગી ન પડવી જોઈએ, સિબિલ સ્કોર પણ નહીં મંગાયઃ ફડણવીસની બેંકોને કડક સૂચના
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં આજે મળેલી મહત્વની બેઠક બાદ તેમણે કૃષિ ક્ષેત્ર પરના સંભવિત સંકટ અને તેના ઉપાયો અંગે માહિતી આપી હતી. ખરીફ પાકની મોસમમાં ખેડૂતોને પૈસાની તંગી ન પડે તે માટે બેંકોને સૂચના આપવામાં આવી છે, તેમજ ખેડૂતોની દેવામાફી ૩૦ જૂન સુધીમાં કરી દેવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાને અલ નિનોના સંભવિત ખતરા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ સમયગાળા દરમિયાન કયા પગલાં લેવામાં આવશે તેની પણ વિગતવાર માહિતી આપી હતી.
લોન માફીનો સમયસર પૂરો કરીશું

ખરીફ સિઝનની પૂર્વ તૈયારીઓ અને તે પહેલાં રાજ્ય સ્તરીય બેંકિંગ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોને વધુમાં વધુ લોન મળી રહે તે માટેના આયોજન અને કુલ લોન વિતરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
"જિલ્લા સહકારી અને ગ્રામીણ બેંકો ૬૭% ખેડૂતોને લોન આપે છે અને તેમનો ટાર્ગેટ ૮૦%થી વધુ છે, જ્યારે રાષ્ટ્રીયકૃત બેંકો માત્ર ૨૬% ખેડૂતોને લોન આપે છે અને તેમનો ટાર્ગેટ ૬૭% છે. તેથી, રાષ્ટ્રીયકૃત બેંકોને ટાર્ગેટ ૮૦%થી ઉપર લઈ જવા કડક સૂચના અપાઈ છે. સાથે જ, પાક ધિરાણ માટે સિબિલ સ્કોર ન માંગવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે, જેને આરબીઆઈ પણ સમર્થન આપ્યું છે," તેમણે જણાવ્યું હતું.
તમામ બેંકો સાથે લોન માફી અંગે ચર્ચા કરવામાં આવી છે. જે કંઈ પણ લોન માફી કરવાની છે, તે સંદર્ભે વિગતવાર ચર્ચા થઈ છે. અમે લોન માફી અંગે જે નિર્ણય લીધો છે, તેને સમયસર પૂરો કરીશું તે રીતે તેનું આયોજન કરવામાં આવ્યું છે", તેમણે જણાવ્યું હતું.
ખરીફ સિઝન પર અલ નીનોનું સંકટ

મહારાષ્ટ્ર પર અલ નીનોનું સંકટ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ૧૫૨ લાખ હેક્ટરનો ખરીફ પાક સૌથી મોટો છે, જેમાં સોયાબીન અને કપાસ મુખ્ય (૮૮ લાખ હેક્ટર) છે. આ વર્ષે ખરીફ સિઝન પર 'અલ નીનો'નું સંકટ છે અને વરસાદ સરેરાશ ૮૮% રહેવાનો અંદાજ છે. ખાસ કરીને પશ્ચિમ વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં તેની વધુ અસર થઈ શકે છે. તેથી, આ બેઠકમાં હવામાનના અંદાજ મુજબ આગોતરા આયોજન પર ભાર મૂકવામાં આવ્યો છે. "
2015માં તો 61 ટકા પડ્યો હતો વરસાદ

છેલ્લા કેટલાક વર્ષોમાં જે અલ નીનોના વર્ષો રહ્યા છે, તેમાંથી વર્ષ ૨૦૧૫ ખૂબ જ મુશ્કેલ હતું. તે વર્ષે મરાઠવાડામાં માત્ર ૬૧ ટકા જ વરસાદ પડ્યો હતો. જો આવી પરિસ્થિતિ ફરી ઊભી થાય તો શું કરવું જોઈએ, તે અંગે દરેક જિલ્લા પ્રશાસનને નિર્દેશો આપી દેવામાં આવ્યા છે, તેમ પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.