રાયગઢઃ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. ચાવણે સ્થિત હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ના પ્લાન્ટ પરિસરમાં અચાનક પૂરના પાણી ઘૂસી આવતા હજારો સિલિન્ડર વરસાદના પાણીમાં રમકડાંના માફક વહી ગયા હતા, જ્યારે તેનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
વીડિયોમાં ગેસના સિલિન્ડર જોવા મળ્યા
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ધીમે ધીમે મેઘરાજાએ આફતનું નિર્માણ કર્યું છે, ત્યારે વરસાદી આફતનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો હતો. એચપીસીએલના આશરે 1,200થી વધુ ગેસના સિલિન્ડર વરસાદી પૂરમાં વહી ગયા હતા. રાહતની વાત એ હતી કે એ સિલિન્ડર ખાલી હતા. વાયરલ વીડિયોમાં પણ સિલિન્ડર પૂરના પાણી વહી જતા જોવા મળ્યા હતા, જ્યારે એક દિશામાં લાલ કલરના સિલિન્ડરને જોઈને લોકો ચોંકી ગયા હતા.
ગેસના રિફિલિંગ પ્લાન્ટમાં ઘૂસી ગયા પાણી
આ બનાવ રાયગઢ જિલ્લાના ખાલાપુર તાલુકા સ્થિત ચાવણે વિસ્તારની છે, જ્યાં મુશળધાર વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે, જ્યારે આસપાસના વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે ચાવણે સ્થિત એચપીસીએલના ગેસ રિફિલિંગ પ્લાન્ટમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
કર્મચારીઓના પ્રયાસ પણ વામણા પુરવાર થયા
પ્લાન્ટમાં ઘૂસેલા પાણીને કારણે લગભગ 1,200થી વધુ ખાલી સિલિન્ડર પાણીમાં વહી ગયા હતા. જેટલી સ્પીડથી પૂરનું પાણી એરિયામાં આવ્યું કે કર્મચારીઓને પણ તેના પર કાબૂ મેળવવાનું મુશ્કેલ બન્યું હતું અને જોતજોતામાં પાણી વહેણમાં સિલિન્ડર કાગળની નાવના માફક વહેવા લાગ્યા હતા. કર્મચારીઓએ રોકવાની કોશિશ કરી હતી, પરંતુ કુદરત આગળ તેમના પ્રયાસ પણ વામણા પુરવાર થયા હતા.