મુંબઈ: કન્નડ સિનેમાના મશહૂર અભિનેતા અને દિગ્દર્શક ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા: ચેપ્ટર 1' એ વર્ષ 2025માં થિયેટરોમાં રિલીઝ થઈને બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો હતો. વર્ષ 2022માં આવેલી બ્લોકબસ્ટર 'કાંતારા' ની આ ફ્રેન્ચાઇઝી ફિલ્મને દર્શકોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો. આ ઐતિહાસિક સફળતા બાદ હવે ઋષભ શેટ્ટીએ આ લોકપ્રિય ફ્રેન્ચાઈઝીના આગામી ભાગ એટલે કે 'કાંતારા: ચેપ્ટર 2' (Kantara: Chapter 2) ને લઈને એક સત્તાવાર અને મોટું અપડેટ શેર કર્યું છે.
'કાંતારા 2' ની કહાણી પર કામ તેજીથી શરૂ
એક તાજેતરના ઈન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરતા ઋષભ શેટ્ટીએ જણાવ્યું કે, તેઓ આ ફ્રેન્ચાઈઝીના આગામી ભાગ પર કામ શરૂ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું, "દિગ્દર્શન મારો પહેલો પ્રેમ છે અને હું તેના વિના શાંતિથી બેસી શકતો નથી. જ્યારે હું કેમેરાની પાછળ હોઉં છું ત્યારે મને માનસિક શાંતિ અને અસીમ આનંદ મળે છે." ઋષભે ખુલાસો કર્યો કે તેમની રાઈટર્સની ટીમ તેમની સાથે જોડાઈ ગઈ છે અને 'કાંતારા: ચેપ્ટર 2' ની સ્ક્રિપ્ટ પર ખૂબ જ ઝડપથી કામ આગળ વધી રહ્યું છે.
'કાંતારા' ફ્રેન્ચાઈઝી ઉપરાંત ઋષભ શેટ્ટી પાસે ઘણી મેગા બજેટ ફિલ્મો લાઈનમાં છે, જેમાં 'જય હનુમાન' અને 'ધ પ્રાઈડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ' જેવી મોટી ફિલ્મો સામેલ છે. પોતાના બિઝી શિડ્યુલ અંગે વાત કરતા અભિનેતાએ સ્પષ્ટ કર્યું કે, તેઓ એક સમયે બે ફિલ્મોનું શૂટિંગ નહીં કરે. કારણ કે બંને પ્રોજેક્ટ્સ માટે તેમણે તદ્દન અલગ લુક અને ફિઝિક જાળવવી પડશે. આથી તેઓ પહેલા પ્રશાંત વર્માના નિર્દેશનમાં બની રહેલી 'જય હનુમાન' નું શૂટિંગ પૂરું કરશે અને ત્યારબાદ 'છત્રપતિ શિવાજી મહારાજ' ની બાયોપિક પર કામ શરૂ કરશે.
'જય હનુમાન'માં મુખ્ય ભૂમિકામાં દેખાશે ઋષભ શેટ્ટી
ઋષભ શેટ્ટી ટૂંક સમયમાં જ ડિરેક્ટર પ્રશાંત વર્માની મોસ્ટ અવેટેડ પાન-ઈન્ડિયા ફેન્ટસી ફિલ્મ 'જય હનુમાન'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2024માં આવેલી સુપરહિટ ફિલ્મ 'હનુમાન'ની સિક્વલ છે, જેમાં ઋષભ શેટ્ટી સાક્ષાત ભગવાન હનુમાનજીના શક્તિશાળી પાત્રને પડદા પર જીવંત કરશે. આ હાઈ-બજેટ ફિલ્મનું શૂટિંગ સત્તાવાર રીતે ફેબ્રુઆરી 2026માં હમ્પી ખાતે શરૂ કરી દેવામાં આવ્યું હતું.