તહેરાનઃ મધ્યપૂર્વમાં હજી મામલો શાંત થયો નથી. ફરી એકવાર ઈરાન અને અમેરિકા આમને સામને આવ્યાં છે. જેના કારણે અન્ય દેશો હેરાન થઈ રહ્યાં છે. આની અસર છેક ભારત સુધી પણ વર્તાઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થઈ રહેલા એક ભારતીય ઓઈલ ટેન્કર જહાજને પણ ઓમાનથી પાછું મોકલી દેવામાં આવ્યું હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. આ જહાજને ઓમાનના સ્પેશિયલ મેરિટાઇમ કોરિડોરમાંથી પાછું મોકલી દેવામાં આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત કરવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ આ આંતરરાષ્ટ્રીય સૈન્ય ગતિરોધ સામે આવ્યો છે.
ઈરાનનો સમુદ્રી કોરિડોર ઉપયોગ કરવા દબાણ
ઈરાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈરાનની સૈન્ય પાંખ IRGC એ રેડિયો સંચાર દ્વારા ઓમાન કોરિડોરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહેલા જહાજોને કડક ચેતવણી આપી હતી. IRGC એ ભારતીય ટેન્કર સહિતના જહાજોને આદેશ આપ્યો છે કે તેઓ આંતરરાષ્ટ્રીય રૂટને બદલે માત્ર ઈરાન દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા સમુદ્રી કોરિડોરનો જ ઉપયોગ કરે. શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર આજે સવારથી જ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ જહાજો હવે ઈરાનની મંજૂરીવાળા રૂટ પરથી જ મુસાફરી કરવા મજબૂર બન્યા છે.
શું છે ઓમાન કોરિડોર અને વિવાદનું કારણ?
તારીખ 24 જૂન 2026ના રોજ ઓમાનની યુએન ઈન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઈઝેશને ઓમાનના દરિયાકાંઠે એક અસ્થાયી કોરિડોરની જાહેરાત કરી હતી. આ રૂટની દેખરેખ અમેરિકા દ્વારા કરવામાં આવી રહી હતી જેથી ગલ્ફ ક્ષેત્રમાં ફસાયેલા કોમર્શિયલ જહાજોને સુરક્ષિત બહાર કાઢી શકાય. એટલે ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદથી આ વ્યૂહાત્મક શિપિંગ પોઈન્ટ અત્યંત સંવેદનશીલ બની ગયો છે.
ઈરાન જહાજો પર ટેક્સ લેવા માંગે છે
જો કે, વિવાદ એ છે કે, તહેરાન આ રૂટ પર પોતાનો સંપૂર્ણ એકાધિકાર ઈચ્છે છે અને અહીંથી પસાર થતા જહાજો પર ટેક્સ (ટ્રાફિક શુલ્ક) વસૂલવાની ધમકી પણ આવે છે. ઈરાને ધમકી આપી છે કે, તેના નિર્ધારિત માર્ગથી બીજા માર્ગે જતા જહાજોને ઈરાની સૈન્યને ટાર્ગેટ કરશે. છેલ્લા કેટલાક દિવસોમાં જ ઈરાની સેનાએ 9 જહાજો પર હુમલા કર્યા છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનો યુદ્ધવિરામ સત્તાવાર રીતે સમાપ્ત જાહેર કર્યો છે. જો કે, ટ્રમ્પે ઉમેર્યું હતું કે ભવિષ્યની વાટાઘાટો માટે અમેરિકાના દરવાજા હજુ પણ ખુલ્લા છે.
વૈશ્વિક મર્ચન્ટ શિપિંગ ક્ષેત્રે ભારત સૌથી વધુ નાવિકો મોકલતો દેશ છે. આ યુદ્ધ ફાટી નીકળ્યા બાદ અત્યાર સુધીમાં હજારો ભારતીય નાવિકો અખાતી વિસ્તાર છોડી ચૂક્યા છે, જેમાં ભારતીય શિપિંગ મંત્રાલયની સહાયથી બહાર કઢાયેલા 3,600 થી વધુ નાવિકો સામેલ છે. તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના દરિયાઈ સંઘર્ષ દરમિયાન વાણિજ્યિક જહાજો પર થયેલા હુમલામાં કેટલાક ભારતીય નાવિકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતાં.