Wed Jul 08 2026

Logo

શેરબજારમાં ફરી હાહાકાર, સેન્સેક્સમાં ૧૭૦૦નો કડાકો, રૂ. ૮.૯૭ લાખ કરોડનું ધોવાણ

2026-07-08 19:33:23
Author: Nilesh Waghela
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હોર્મુઝ અને શેરબજારમાં માંડ માંડ શાંતિ સ્થાપવાની આશા જન્મી હતી ત્યાં ઇરાન સાથે અમેરિકાની નવી ચકમક ઉપરાંત ઈરાન સાથેના શાંતિ કરાર અંગેની ટ્રમ્પની નકારાત્મક ટિપ્પણીઓને કારણે ડહોળાયેલા વાતાવરણમાં ગ્લોબલ ઇક્વિટી, ક્રૂડ ઓઇલ અને ફોરેક્સ માર્કેટમાં પણ ફટકો પડ્યો છે.બીએસઇનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૪૭૧.૨૩ લાખ કરોડ રહ્યું હતું, જે અગાઉના કામકાજના દિવસે રૂ. ૪૮૦.૨૦ લાખ કરોડ હતું. આમ માર્કેટ કેપમાં રૂ. ૮.૯૭ લાખ કરોડનો ઘટાડો થયો હતો.

હોર્મુઝ સ્ટ્રેઇટમાં ફરીથી ભયનું વાતાવરણ ખડું થતાં સર્જાયેલા રિસ્ક ઓફ મૂડમાં રોકાણકારોએ કરેલી ગભરાટભરી વેચવાલીના દબાણ વત્તે સેન્સેક્સમાં ૧૭૦૦ પોઇન્ટનો અને ક્રૂડ ઓઇલમાં લગભગ સાત ટકાનો જોરદાર કડાકો બોલાયો છે. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૬.૧૮ ટકાના ઘટાડા સાથે બેરલદીઠ ૭૮.૭૪ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું.હોર્મુઝની ખાડીમાં ઈરાને મરચંટ જહાજ પર કરેલા હુમલા અને ત્યારબાદ અમેરિકાએ ઈરાન પર ૮૦ ઠેકાણે કરેલા બોમ્બમારા સામે ઈરાને કરેલા વળતા પ્રહારથી ફેલાયેલા ગભરાટ વચ્ચે સેન્સેક્સ ૧,૬૭૭.૧૨ પોઈન્ટના તોતિંગ કડાકા સાથે ૭૬,૫૦૩.૬૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો, જ્યારે નિફ્ટી ૫૧૬.૬૫ પોઈન્ટના કડાકા સાથે ૨૩,૮૮૨.૦૫ પર બંધ થયો હતો.

સાર્વત્રિક વેચવાલી વચ્ચે બીએસઈ સેન્સેક્સની ત્રીસે ત્રીસ સ્ક્રિપ ઘટી હતી અને વ્યાપક બજારનું પ્રતિનિધિત્વ કરતા બેન્ચમાર્ક પણ ગબડ્યા હતા. બીએસઈ પર કુલ ૪,૪૫૪ સ્ક્રિપ્સમાં સોદા થયા હતા, જેમાં ૧,૦૭૦ શેરોના ભાવ વધ્યા હતા, ૩,૨૧૧ શેરોના ભાવ ઘટ્યા હતા અને ૧૭૩ શેરોના ભાવ યથાવત રહ્યા હતા.બીએસઇ પર કુલ ૧૧૬ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૧૦૪ સ્ટોક્સ બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. કુલ ૧૯ કંપનીઓ પર સર્કિટ બ્રેકર લાગ્યું હતું, જેમાં ૧૧ કંપનીઓમાં અપર સર્કિટ તથા ૮ કંપનીઓમાં લોઅર સર્કિટ લાગી હતી.