મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં ચોમાસા દરમિયાન પાણીની તંગીનો મુદ્દો ગાજ્યો હતો. સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે પાણીની તીવ્ર અછત અંગે કોંગ્રેસના ધારાસભ્યના દાવા આંશિક રીતે સાચા છે અને આ વર્ષે ૨૨ જૂન સુધીમાં ૧,૨૦૦થી વધુ ગામડાને ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું.
કોંગ્રેસના વિધાનસભ્ય અમિત દેશમુખે કહ્યું હતું કે પાણીની અછત સત્તાવાર આંકડાઓ કરતાં વધુ વ્યાપક છે. તેના જવાબમાં પીવાના પાણી અને સ્વચ્છતા પ્રધાન ગુલાબરાવ પાટીલે કહ્યું કે, આ દાવો આંશિક રીતે સાચો છે.
૨૨ જૂનના અહેવાલ મુજબ મહારાષ્ટ્રના ૩૬માંથી ૨૫ જિલ્લા પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા, જ્યાં ૧,૪૧૩ ટેન્કરો દ્વારા ૧,૨૭૯ ગામો અને ૩,૩૮૯ વસાહતોને પાણી અપાતું હતું.
જોકે, મોડા ચોમાસા બાદ જુલાઈની શરૂઆતથી ભારે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ, દેશમુખે સવાલ ઉઠાવ્યો હતો કે સરકારી અહેવાલમાં માત્ર ૨,૨૮૫ ગામો અછતગ્રસ્ત દર્શાવાયા છે, જ્યારે વાસ્તવિક સંખ્યા ૮,૦૦૦થી ૯,૦૦૦ વચ્ચે છે.
પ્રધાને જણાવ્યું હતું કે સરકારે પાણીની અછતથી પ્રભાવિત ૧૨,૪૦૬ ગામડાઓ અને વસાહતોમાં અનેક પગલાં લીધાં છે, જેમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે ખાનગી કુવાઓ હસ્તગત કરવા, પાણી પુરવઠા યોજનાઓ તેમ જ નળનું સમારકામ કરવું અને અન્ય કટોકટીની વ્યવસ્થાઓ લાગુ કરવાનો સમાવેશ થાય છે.