Wed Jul 08 2026

Logo

બે જળાશય છલકાયાં, પણ કુલ જથ્થા કરતાં 42 ટકા જ પાણી!

2026-07-08 20:08:24
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અનરાધાર વરસાદને કારણે મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં બે જળાશય વિહાર અને તુલસી છલકાયાં હોવા છતાં અત્યારે પાણીના કુલ જથ્થા કરતાં માત્ર 42 ટકા જ પાણી જળાશયોમાં ભરાયું હોવાનું મુંબઈ મહાનગરપાલિકાનું કહેવું છે.

વરસાદે છેલ્લા ચારથી પાંચ દિવસ જબરદસ્તી બૅટિંગ કરીને મુંબઈને ધમરોળી નાખ્યું છે. કેચમેન્ટ એરિયામાં પણ વરસાદનો જોર વધતાં મંગળવારની રાતે નવ વાગે વિહાર તળાવ છલકાઈ ગયું હતું. આ જળાશય ગયા વર્ષે છેક 18 ઑગસ્ટે ભરાયું હતું.

27,698 મિલિયન લિટરની ક્ષમતાવાળું આ જળાશય 2024માં પચીસ જુલાઈએ છલકાયું હતું. જોકે મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયમાં વિહાર બીજા નંબરનું સૌથી નાનું તળાવ છે. આ તળાવમાંથી રોજ સરેરાશ 90 મિલિયન લિટર પાણી નાગરિકોને પૂરું પાડવામાં આવે છે.

વિહાર છલકાવાની સાથે રાતે 11.43 વાગ્યે તુલસી તળાવ પૂર્ણ ક્ષમતાથી ભરાઈ ગયું હતું. ગયા વર્ષે આ તળાવ 16 ઑગસ્ટે, જ્યારે 2024માં ચોથી ઑગસ્ટે છલકાયું હતું. આ તળાવમાંથી દક્ષિણ મુંબઈમાં રોજ સરેરાશ 18 મિલિયન પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે આ તળાવ સૌથી નાનું છે અને તેની ક્ષમતા માત્ર 8.046 મિલિયન લિટરની છે.

બન્ને તળાવની ક્ષમતા હોવાથી તેમના છલકાવાથી મુંબઈની પાણીની સમસ્યા હલ થઈ શકે એમ નથી. અત્યારે સાતેય જળાશયોની ક્ષમતા કરતાં 42 ટકા પાણીનો જથ્થો જમા થયો છે. પરિણામે પાણીકાપ ઉઠાવી લેવા વિશે તુરંત નિર્ણય લેવાય એવી શક્યતા નહીંવત્ છે.

મુંબઈ મહાપાલિકા અનુસાર મોડક સાગર 72 ટકા, તાનસા 69 ટકા, ભાતસા 36 ટકા, મિડલ વૈતરણા 35 ટકા અને અપર વૈતરણા 21 ટકા ભરાયું છે.