પુણેઃ અહીંના પિંપરી-ચિંચવાડમાં ભરચોમાસે એક મહાકાય ઈમારત ધસી પડતા 15 લોકો દટાઈ ગયા હોવાના અહેવાલ છે. પુણે પોલીસ, ફાયરબ્રિગેડ અને ઈમરજન્સી રિસપોન્સ ટીમે યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. આ ઘટના આજે બપોરના સમયે બની હતી. સ્થાનિકોએ પણ તંત્રની ટીમ સાથે મળીને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ તથા નગર નિગમના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ડપિંગ સાઈટમાં ઈમારત બની હતી
કોર્પોરેશન કમિશનર વિજય સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, આ ઈમારત વેસ્ટસાઈડ પર કચરાના ઢગલાની નજીક બનેલી હતી. પ્રાથમિક તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, વરસાદને કારણે આવું બન્યું હશે, પણ તપાસ કરતા હકીકત અલગ હતી. અહીં ખાનગી કંપનીના 16 કર્મચારી ઈમારતના કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે.

એનડીઆરએફ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમે રાહત કાર્ય શરૂ કરી દીધું છે. જે સમયે આ ઘટના બની એ સમયે 20 લોકો ત્યાં હાજર હતા. ચાર વ્યક્તિઓને સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યા છે. હજુ બીજા 15 લોકો અંદર હોવાનું માનવામાં આવે છે.
હાલમાં બચાવકાર્ય યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું છે. વહીવટી તંત્ર સાથે જોડાયેલા અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કચરાનો મોટો શક્તિશાળી ઢગલો ત્રણ ફ્લોરની ઈમારત સાથે અથડાયો હતો. આ કારણે ઈમારત ધસી પડી હતી.

ખાસ મશીનની મદદ લેવાઈ
આ એક વેસ્ટસાઈડ છે. ડપિંગ સાઈટ છે. મોશી વિસ્તારમાં આ ઘટના બની છે. ખાનગી કંપનીના કાર્યાલય અને અન્ય વિભાગ તરીકે આ ઈમારતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈમારતની નજીકમાં કચરાના પ્રોસેસિંગનું કામ થઈ રહ્યું હતું. આ વિસ્તારમાંથી લોકોને ખસેડવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. અન્ય કોઈ વિસ્તારમાં આ ઘટના ન બને એ માટે ડપિંગ સાઈટ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ હજુ સુધી કેટલાક લોકો અંદર દટાયા છે એનો સત્તાવાર આંકડો સામે આવ્યો નથી. સતત આ ઘટના પર વૉચ રાખવામાં આવી રહી છે. ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બાહર કાઢવા માટે કામ ચાલુ છે. આ માટે હાલમાં ખાસ પ્રકારના મશીનની મદદ લેવામાં આવી રહી છે. માત્ર ફાયર વિભાગ જ નહીં અન્ય વિભાગની પણ મદદ લેવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં પણ યોગ્ય સારવાર મળે એ માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.