બન્નેના ચૅટિંગના વિશ્ર્લેષણ પરથી લગ્નનો રહસ્યસ્ફોટ: પોલીસ ખાતરી કરી રહી છે
પુણે: લોનવલાના લોહગડ કિલ્લા પરથી ખીણમાં ધકેલીને પુણેના રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર અને ટ્રેકર કેતન અગરવાલની હત્યા કરવાના કેસમાં રોચક વળાંક આવ્યો છે. કેતનની હત્યાના આરોપસર ધરપકડ કરાયેલી વાગ્દત્તા સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીનાં અમુક મહિના પહેલાં જ ગુપ્ત રીતે લગ્ન થઈ ગયાં હોવાનો રહસ્યસ્ફોટ તેમની વચ્ચેના ચૅટિંગ પરથી થયો છે. જોકે પોલીસ આ બાબતે ખાતરી કરવા વધુ તપાસ કરી રહી છે.
લોહગડ કિલ્લા પરથી 18 જૂને કેતન અગરવાલ (25)ને ખીણમાં ધકેલી દેવામાં આવ્યો હતો. કેતનની હત્યાનું કાવતરું તેની વાગ્દત્તા સિયા (20)એ ઘડ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે સિયા અને તેના પ્રેમી ચેતન (22)ની ધરપકડ કરી હતી. કેતન અને સિયાનાં લગ્ન નવેમ્બરમાં થવાનાં હતાં.
પુણે ગ્રામીણ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સિયા અને ચેતન વચ્ચે થયેલા ચૅટિંગની તપાસ કરવામાં આવી રહી હતી. ચૅટિંગના વિશ્ર્લેષણ પરથી એવું સૂચિત થાય છે કે સિયા અને ચેતને છૂપી રીતે લગ્ન કરી લીધાં હતાં. જોકે આ બાબતે હજુ ખાતરી કરવાની બાકી છે. પોલીસ આ દાવાની ખાતરી કરી રહી છે અને તેમનાં લગ્ન કાયદેસર રજિસ્ટર્ડ છે કે નહીં તેની પણ ચકાસણી કરી રહી છે.
પોલીસ આરોપીઓ વિરુદ્ધના ડિજિટલ પુરાવાની ચકાસણી કરી રહી છે. કેતનની હત્યાના કેસની તપાસના ભાગ રૂપે બન્નેના મોબાઈલ ફોન ડેટા અને ચૅટ રેકોર્ડ્સ પણ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે સિયા અને ચેતને કેતનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેને કઈ રીતે મારવો તેનું રિહર્સલ પણ કર્યું હતું. બન્ને આરોપી હાલમાં અદાલતી કસ્ટડીમાં છે. (પીટીઆઈ)