નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના હેડ-કોચ બદલાવાના છે. હા, આ કોઈ અટકળ નથી. ભૂતપૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ (LAXMAN) ઝિમ્બાબ્વેની ટૂરમાં ગૌતમ ગંભીરના સ્થાને ભારતીય ટીમના હેડ-કોચની જવાબદારી અદા કરશે.
આ વાત માત્ર ઝિમ્બાબ્વેના પ્રવાસ પૂરતી સીમિત નથી. સપ્ટેમ્બરમાં જાપાનમાં એશિયન ગેમ્સ (એશિયાડ) યોજાશે ત્યારે પણ કદાચ લક્ષ્મણ જ હેડ-કોચ હશે. ઉલ્લેખનીય છે કે લક્ષ્મણ બીસીસીઆઇના બેંગ્લૂરુ-સ્થિત સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઇ)નો ચીફ છે.
એશિયન ગેમ્સ માટેની ટી-20 ટીમની જાહેરાત થઈ ચૂકી છે. એેશિયાડના અરસામાં જ વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમ ભારત આવશે અને બન્ને દેશ વચ્ચે ત્રણ વન-ડે તથા પાંચ ટી-20 રમાશે.
એશિયાડ અને કૅરિબિયન ટીમનો ભારત-પ્રવાસ, આ બન્નેનું લગભગ એક જ સમયપત્રક હોવાથી ગૌતમ ગંભીર (Gambhir) વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સિરીઝ માટેની ભારતીય ટીમ સાથે જોડાશે અને એશિયાડમાં શ્રેયસ ઐયરના સુકાનમાં રમનારી ટી-20 ટીમને લક્ષ્મણનું કોચિંગ મળશે. એ પહેલાંના ઝિમ્બાબ્વે પ્રવાસમાં લક્ષ્મણ હેડ-કોચ હશે તેમ જ ભૂતપૂર્વ સ્પિનર સુનીલ જોશી બોલિંગ-કોચ બનશે. ઋષિકેશ કાનિટકરને ત્યારે બૅટિંગ-કોચની જવાબદારી સોંપાશે.