Tue Jul 07 2026

Logo

ડૉલર સામે રૂપિયો પચ્ચીસ પૈસા ગબડ્યો

2026-07-06 20:31:12
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં ખાસ કરીને ઊભરતા અર્થતંત્રોના ચલણ  સામે ડૉલરમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો આગલા બંધ સામે પચ્ચીસ પૈસા નબળો પડીને 95.43ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1355.33 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના એક્સચેન્જના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતાં રૂપિયામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 95.18ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.25ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.48 અને ઉપરમાં 95.22ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પચ્ચીસ પૈસા તૂટીને 95.43ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયામાં 17 પૈસાનો સુધારો આવ્યો હતો. 

અમેરિકી ફેડરલ રિઝર્વ વર્ષ 2026માં ઓછામાં ઓછું એક વખત વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતા રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટીમાં માર્કેટમાં સુધારો અને ક્રૂડ તેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયાની રેન્જ 95.10થી 95.60 આસપાસની રહે તેવી શક્યતા નકારી ન શકાય. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.26 ટકા વધીને 101.12 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. જોકે, આજે બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ 0.76 ટકા ઘટીને બેરલદીઠ 71.57 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 521.16 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 159.50 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાને થોડાઘણાં અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.