Tue Jul 07 2026

Logo

ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારીઓને લઈ કોર્પોરેશનમાં શહેર એકતા સમિતિની બેઠક, ડીજે વગાડવા પર લેવાયો નિર્ણય

2026-07-07 22:04:48
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદ:આગામી અષાઢી સુદ બીજ, તા. 16 જુલાઈ, 2026ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ ખાતે શહેર એકતા સમિતિની બેઠક યોજાઈ હતી. અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પોલીસ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીઓ, જગન્નાથ મંદિરના મહંત, શહેર એકતા સમિતિના સભ્યો તથા વિવિધ સમાજોના આગેવાનોએ ઉપસ્થિત રહી રથયાત્રાના સફળ આયોજન માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.જેમા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.

આ વિષય પર ચર્ચા થઈ
આ બેઠક દરમિયાન રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ, કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તેમજ યાત્રા નિર્વિઘ્ન અને સમયસર પૂર્ણ થાય તે માટે વિવિધ વિભાગો વચ્ચે વધુ અસરકારક સંકલન સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. એકતા સમિતિના સભ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનો તેમજ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવનારી કામગીરી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મેયર હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરની આસ્થા અને એકતાનું પ્રતીક છે. શહેર એકતા સમિતિના સભ્યો તરફથી મળેલા સૂચનોને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા જરૂરી તમામ કામગીરી હાથ ધરવામાં આવશે. પોલીસ વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરીને રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પસાર થાય તેમજ ભગવાન જગન્નાથજીનો રથ ઝડપથી અને નિર્વિઘ્નપણે નિજ મંદિર પહોંચે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવશે. 

હાથીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે
રથયાત્રા પૂર્વે વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરિક્ષણ પણ કરવામાં આવશે. આ બેઠકમાં ગત વર્ષોના અનુભવોના આધારે વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત સૂચનોને ધ્યાનમાં રાખીને રથયાત્રા વધુ સુવ્યવસ્થિત રીતે પસાર થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન હાથીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. હાથીઓ પસાર થાય ત્યારે ડીજે અથવા ઊંચા અવાજના સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં ન આવે તેમજ અનાવશ્યક ઘોંઘાટ ટાળવામાં આવે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. રથ પરત ફરતી વખતે જમાલપુર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેથી રથના કાફલાની અવરજવર નિર્વિઘ્નપણે થઈ શકે.

ખાસ કર્મચારીઓને વિશેષ જવાબદારી
આ બેઠકમાં જગન્નાથજી રથયાત્રાના સુચારૂ આયોજન માટે તમામ વિભાગો વચ્ચે સંકલન, 101થી વધુ ટ્રકો માટે સમયસર પાણીની વ્યવસ્થા, જર્જરિત મકાનો દૂર કરવા, સતત સફાઈ, ફાયર બ્રિગેડની તૈનાતી, સમગ્ર રૂટ પર CCTV કેમેરા કાર્યરત રાખવા, ખલાસીઓને આઈ-કાર્ડ આપવા તેમજ વૃક્ષોનું ટ્રિમિંગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે રથયાત્રાના  રૂટ પર 730 વીજ થાંભલા, 560 ફ્લડ લાઇટ્સ, 11 અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય (UPS) તથા ટોરેન્ટ પાવરના 33 કર્મચારીઓ તૈનાત રાખવાની માહિતી આપવામાં આવી હતી. તેમજ કેચપિટ અને ગટરોની સફાઈ સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો, જ્યારે ગેલેરીઓમાં ગ્રીન કવર લગાવી બિનજરૂરી ભીડ અટકાવવા સૂચન કરવામાં આવ્યું હતું.