લાતુર: બોગસ વિકલાંગતા પ્રમાણપત્રો રજૂ કરીને સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કરીને સરકાર સાથે છેતરપિંડી કરવાના કેસમાં લાતુરની કોર્ટે બે આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.
ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ એમ. એન. ચવાણે બન્ને આરોપી શ્રીરામ જ્ઞાનેશ્ર્વર પાટીલ અને જ્ઞાનેશ્ર્વર વસંતરાવ ડોડાતલ્લેને કસૂરવાર ઠેરવ્યા હતા અને પ્રત્યેકી 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
શિવાજીનગર પોલીસે પંચાયત સમિતિના તત્કાલીન બ્લૉક ડેવલપમેન્ટ અધિકારીની ફરિયાદને આધારે 23 ફેબ્રુઆરી, 2008ના બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તપાસમાં જણાયું હતું કે આરોપીઓએ પ્રશાસનને ગેરમાર્ગે દોરવા અને ગ્રામસેવક તરીકે નિયુક્તિ મેળવવા માટે તેમની અરજીઓ સાથે બોગસ વિકલાંગતા પ્રમાણપત્રો બીડ્યાં હતાં.
કેસની તપાસ કરીને પોલીસે કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું. ફરિયાદી, જિલ્લા પરિષદના બે અધિકારી, તત્કાલીન સિવિલ સર્જન અને તપાસ અધિકારીની જુબાની પર કોર્ટે આધાર રાખ્યો હતો. પુરાવા પરથી સ્થાપિત થયું હતું કે આરોપીઓ દ્વારા રજૂ કરાયેલાં વિકલાંગતા પ્રમાણપત્રો સિવિલ સર્જન કાર્યાલય દ્વારા ક્યારેય જારી કરાયાં નહોતાં. આના પરથી સિદ્ધ થયું હતું કે દસ્તાવેજો બોગસ હતા, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)