અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસમાં ટ્રસ્ટના મહાસચિવ રહેલા ચંપત રાય પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના પગલે તેમણે મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમજ તેમના પર મૂકવામાં આવેલા આરોપો અંગે રામભકતોના નામે એક પત્ર લખ્યો છે.
મે મૌન ધારણ કરી લીધું છે
આ પત્રમાં ચંપત રાયે જણાવ્યું હતું કે, ગત 6 જૂનના રોજ શ્રી રામ જન્મ ભૂમિ મંદિર પરિસરમાં દાનની રકમની ગણતરીમાં ચોરી અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં વ્યક્તિગત રીતે મારી પર અનેક અયોગ્ય આરોપ લગાવવામાં આવ્યા છે.જેના પગલે મે મૌન ધારણ કરી લીધું છે. આ દાન ચોરી કેસમાં એસઆઇટીનો પ્રાથમિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે.
તમામ સત્ય સામે આવી જશે
તેમજ હું લોકોને આશ્વસ્ત કરવા માંગુ છું કે એસઆઇટીના આખરી અહેવાલ બાદ હાલમાં ફેલાવામાં આવી રહેલા તમામ મુદ્દાઓ પર હું ક્રમાનુંસાર જવાબ આપીશ. તમામ સત્ય સામે આવી જશે.
મારું જીવન ખુલ્લી કિતાબ સમાન રહ્યું છે
મને વર્ષે 1991ના ઓકટોબર માસમાં સંગઠન દ્વારા અયોધ્યા મોકલવામાં આવ્યો હતો. મારુ પ્રચારક જીવન 45 વર્ષનું છે. તેમજ હું જે પણ સ્થળે રહ્યો મારું જીવન ખુલ્લી કિતાબ સમાન રહ્યું છે. તમામને આદર પૂર્વક નમન.

વિશ્વ હિંદુ પરિષદ ચંપત રાયના બચાવમાં આવ્યું
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે વિશ્વ હિંદુ પરિષદ ચંપત રાયના બચાવમાં આવ્યું છે. તેમજ કહ્યું છે કે માત્ર આરોપ લગાવવાથી કોઇ દોષ પુરવાર નથી થતાં. જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હતું. તેમજ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ તરીકે બજરંગ બાગડાને જવાબદારી સોંપવામાં આવી છે.
તપાસ એજન્સીને તેનું કામ કરવા દેવું જોઈએ
સુરેન્દ્ર જૈને ચંપત રાય અને અનિલ મિશ્રાનો બચાવ કરતા જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ ફક્ત તેના પર આરોપો લગાવવાથી દોષિત નથી બનતી. તેમણે લોકોને વિનંતી કરી કે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી કોઈને પણ ગુનેગાર ના સમજો. તેમણે ઉમેર્યું કે તપાસ એજન્સીને તેનું કામ કરવા દેવું જોઈએ અને તપાસના પરિણામની રાહ જોવી જોઈએ.