અમદાવાદઃ ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બંને ઝોનમાં ચાલુ સિઝનનો 25 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
ઝોન વાઈઝ રિપોર્ટ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 26.79 ટકા, દક્ષિણ ગુજરાતમાં 24.98 ટકા, પૂર્વ મધ્યમાં 15.20 ટકા, ઉત્તર ગુજરાતમાં 11.99 ટકા અને કચ્છમાં 1.92 ટકા વરસાદ નોંધાયો છે.
આ જિલ્લા હજી કોરાધાકોડ
કચ્છના અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, રાપર અને દેવભૂમિ દ્વાકાના દ્વારકા તથા કલ્યાણપુરમાં વરસાદનું આગમન થયું નથી. એટલે કે આ જિલ્લાઓ હજુ પણ કોરાધાકોડ છે.
સવારના બે કલાકમાં વરસાદે ક્યાં બોલાવી ધબધબાટી
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સવારે 6 થી 8 ના સમયગાળામાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તાપીના વાલોદમાં 2 કલાકમાં 2.76 ઇંચ, કામરેજમાં 2.56 ઇંચ, બારડોલીમાં 2.05 ઇંચ, વલસાજમાં 1.73 ઇંચ, પલસાણામાં 1.10 ઇંચ, અંબિકામાં 1.06 ઇંચ, નવસારીમાં 0.98 ઇંચ , ધરમપુરમાં 0.87 ઇંચ વરસાદ નોંધાયો છે.
આજે ક્યાં છે વરસાદનું રેડ એલર્ટ
આજે ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવી શકે છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ ખતરનાક આગાહી કરી છે. જે મુજબ વડોદરા, મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે. આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત ભાવનગર અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.