રેખા દેશરાજ
લાંબા, ઘટ્ટ અને ચમકદાર વાળની ચાહત કોઈ નવી નથી. સદીઓથી વાળને સુંદરતા, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વનો એક મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે હવે બ્યુટી ઇન્ડસ્ટ્રીનું ફોકસ માત્ર વાળની લંબાઈ અને ચમક સુધી જ મર્યાદિત નથી રહ્યું, બલ્કે ‘સ્કેલ્પ હેલ્થ’ જ વાળની અસલી સુંદરતા અને સ્વાસ્થ્યનો નવો ટ્રેન્ડ બનીને ઊભર્યો છે. એટલા માટે જ આજકાલ વાળની સમસ્યાઓ પર સ્કેલ્પ હેલ્થની ચર્ચા સામાન્ય થઈ ગઈ છે, તો ચાલો જાણીએ કે આખરે સ્કેલ્પ હેલ્થ શું છે?
શું છે સ્કેલ્પ હેલ્થ?
સ્કેલ્પ એટલે કે આપણા માથાની ત્વચા, જ્યાંથી વાળ ઊગે છે. તેથી જો આ ત્વચા સાફ, સંતુલિત, ભેજયુક્ત અને સ્વસ્થ હશે તો એ ગૅરંટી છે કે વાળ મજબૂત અને સારા થશે, પરંતુ જો માથાની ત્વચામાં વધુ પડતું તેલ હશે, ડેન્ડ્રફ હશે, ડ્રાયનેસ અને ઇન્ફેક્શન હશે અથવા બ્લડ સર્ક્યુલેશન ઓછું હશે તો ચોક્કસપણે વાળની અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થશે. આવી સ્થિતિમાં વાળના મૂળ નબળા થવા લાગે છે અને બીજી પણ ઘણી સમસ્યાઓ ઊભરીને સામે આવે છે. આ જ કારણે હવે નિષ્ણાતો વાળની સમસ્યાઓને ‘હેર પ્રૉબ્લેમ’ના બદલે ‘સ્કેલ્પ પ્રૉબ્લેમ’ તરીકે જોવા લાગ્યા છે અને તેના નિવારણ માટે માથાની ત્વચાને સ્વસ્થ બનાવવાનો નસખો જણાવી રહ્યા છે.
અચાનક કેમ વધ્યો આનો ટ્રેન્ડ?
કારણ કે યુવાનોમાં તણાવ, પ્રદૂષણ, ખરાબ ખાણીપાણી અને હૉર્મોનલ અસંતુલનને કારણે હેર ફૉલની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે અને આ સમસ્યા સામાન્ય શૅમ્પૂથી દૂર થતી નથી.
જે રીતે લોકો ચહેરાની ત્વચા માટે ક્લીનિંગ, મોઇશ્ર્ચરાઇઝિંગ અને સન પ્રોટેક્શનનો સહારો લઈ રહ્યા છે, તેવી જ રીતે હવે વાળ માટે પણ ‘સ્કેલ્પ કૅર’ જેવો વિચાર જરૂરી બની ગયો છે. એટલા માટે માત્ર વાળ ધોવા પૂરતા નથી, પરંતુ સ્કેલ્પની સફાઈ, પોષણ અને સંતુલન પણ જરૂરી બની ગયું છે.
આજની ભાગદોડ ભરી જિંદગી, પૂરતી ઊંઘનો અભાવ, તણાવ અને માનસિક થાક આ બધાની વાળ પર અસર પડી રહી છે. આ જ કારણે આજકાલ ‘સ્કેલ્પ મસાજ’ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.
સ્કેલ્પ માઇક્રોબાયોમ છે અસલી વિલન
આજકાલ બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં ‘સ્કેલ્પ માઇક્રોબાયોમ’ શબ્દ પણ ખૂબ લોકપ્રિય થયો છે, કારણ કે આપણી સ્કેલ્પ પર પણ લાખો સૂક્ષ્મ જીવો હોય છે, એ જો સંતુલિત રહે તો સ્કેલ્પ સ્વસ્થ રહે છે; પરંતુ જો વધુ પડતા કેમિકલ, વારંવાર કરવામાં આવતી હેર સ્ટાઇલિંગ અથવા ખોટાં ઉત્પાદનોના કારણે તેમનું સંતુલન બગડી જાય તો વાળની અનેક સમસ્યાઓ ઊભી થાય છે. એટલા માટે જ હવે માઇલ્ડ અને સ્કેલ્પ ફ્રેન્ડ્લી ઉત્પાદનોની માગ વધી છે. સાથે જ, સ્કેલ્પની નિયમિત સફાઈ અને તેલની હળવી મસાજની સાથે-સાથે વાળના સ્વાસ્થ્ય માટે હવે પૌષ્ટિક ખોરાક પણ જરૂરી બની ગયો છે જેમાં પ્રોટીન, આયર્ન, ઓમેગા-3 અને વિટામિન્સ યોગ્ય માત્રામાં હાજર હોય.
આની સાથે એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે આ બધું માત્ર મહિલાઓના વાળ માટે જ નહીં, પરંતુ પુરુષોના વાળના સ્વાસ્થ્ય માટે પણ એટલું જ જરૂરી છે, કારણ કે તાજેતરનાં વર્ષોમાં પુરુષોમાં ટાલ પડવાની સમસ્યા પહેલાં કરતાં ઘણી વધી ગઈ છે. ડેન્ડ્રફ અને હેર ક્લીનિંગની સમસ્યાથી પુરુષો પણ મહિલાઓની જેમ જ પરેશાન છે.
સ્કેલ્પ હેલ્થ એ કોઈ સામાન્ય બ્યુટી ટ્રેન્ડ નથી, પરંતુ માથાની ત્વચા પ્રત્યે વધેલી જાગૃતિ છે, કારણ કે લોકો હવે એ વાત સમજવા લાગ્યા છે કે વાળની અસલી સુંદરતા તેમની બહારની ચમકમાં નહીં, પરંતુ તેમના મજબૂત મૂળમાં છુપાયેલી છે.