Tue Jul 07 2026

Logo

કચ્છમાં વાવાઝોડા અને વેગીલા વાયરા સાથે મેઘ પધરામણી, કચ્છ-મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો

2026-07-07 11:21:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: કચ્છીમાડુઓ જેની લાંબા સમયથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, તે મેઘરાજાએ આખરે તોફાની પવન અને ગાજવીજ સાથે કચ્છ જિલ્લામાં ધમાકેદાર પધરામણી કરી છે. વાગડ પ્રદેશથી શરૂ થયેલો વરસાદી ઝાપટાંનો દોર મોડી રાત સુધીમાં જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ફેલાયો હતો. રાપરમાં માત્ર એક કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ભચાઉ, અંજાર, ગાંધીધામ અને ભુજના સરહદી વિસ્તારોમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી હતી. દિવસભરના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સમીસાંજે વાતાવરણમાં આવેલા પલટાથી લોકોને અકળાવનારી ગરમીમાંથી મોટી રાહત મળી છે.

રાપર શહેરમાં સોમવારે મોડી સાંજે ગાજવીજ અને વેગીલા પવન સાથે એક કલાકમાં ૩૬ મી.મી. (દોઢ ઈંચ) વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

હાઈવે પટ્ટીના ગાગોદર, પલાંસવા (૧ ઈંચ), પલાંસવા, કાનમેર, મેવાસા અને આડેસર સહિતના ગામોમાં સારો વરસાદ થયો છે. પ્રાંથળના બાલાસર અને જાટાવાડામાં મિની વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો, જ્યારે ત્રંબૌમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદની હેલી વ્યાપી ગઈ છે. જો કે, રાપરના બાલાસરી ગામે ઝાડ પર વીજળી પડતાં અને ઝાડ વીજતાર પર ધરાશાયી થતાં વીજપોલ તૂટી પડ્યો હતો.

બીજી તરફ, ગાંધીધામ, આદિપુર અને કંડલા સંકુલમાં રાત્રે આઠ વાગ્યે જોરદાર પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને માત્ર ૧૫ મિનિટમાં જ ચોમેર પાણી-પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ માર્ગો પર પાણી ભરાઈ જતાં નોકરી-ધંધેથી પરત ફરતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદની સાથે જ સમગ્ર સંકુલમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. આદિપુરના ચારવાળી વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ લાગી હતી. પીજીવીસીએલ તંત્ર વીજળી પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળ રહેતાં સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ભુજ તાલુકાના સરહદી ખાવડા પંથકમાં રાત્રે પોણા આઠ વાગ્યે જોરદાર ઝાપટું વરસ્યું હતું. અંજાર શહેર અને રતનાલ, આંબાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોડી સાંજે પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આર્દ્રા નક્ષત્રના અંતિમ દિવસે વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. નોંધનીય છે કે, વરસાદ પહેલાં કંડલા (એરપોર્ટ) ૩૯ ડિગ્રી, કંડલા પોર્ટ ૩૮ ડિગ્રી અને ભુજ ૩૬ ડિગ્રી તાપમાન સાથે રાજ્યના મોખરાના ગરમ મથકો રહ્યા હતા.

દરમ્યાન, મુંબઈમાં અવિરત પડી રહેલા અતિભારે વરસાદના કારણે કલ્યાણ રોડ, વસઈ રોડ અને નાલાસોપારા સ્ટેશનોમાં પાણી ભરાઈ જતાં પશ્ચિમ રેલવેનો વાહનવ્યવહાર ખોરવાયો છે. જેના કારણે કચ્છ-મુંબઈ વચ્ચેની રેલ સેવાને વ્યાપક અસર થઈ છે. કચ્છથી મુંબઈ જતી સયાજી એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર જ રોકી દેવામાં આવી છે અને ત્યાંથી જ તેને પરત ભુજ તરફ દોડવવામાં આવશે જયારે કચ્છ એક્સપ્રેસ ટ્રેનને દહાણુ રોડ સ્ટેશને રોકી દેવામાં આવી હતી, જ્યાંથી મુસાફરો વસઈ રોડ માર્ગે મુશ્કેલીઓ વેઠીને મુંબઈ પહોંચ્યા હતા.

મુસાફરોની સુવિધા માટે સુરત સહિતના સ્ટેશનો પર રેલવે પ્રશાસન દ્વારા ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સચોટ માહિતી માટે ખાસ 'હેલ્પડેસ્ક' શરૂ કરાયા છે. ફસાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે એસ.ટી. બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર, મુંબઈ લાઈન બ્લોક થવાના કારણે મુખ્ય ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે જેમાં પુના-ભુજ એક્સપ્રેસ ટ્રેન નિયમિત રૂટના બદલે દૌડ, મનમાડ, જલગાંવ, પાલધી અને સુરત થઈને ચાલશે,ગાંધીધામ-તિરુનેલવેલી એક્સપ્રેસ ટ્રેન પણ ડાયવર્ટ કરાયેલા રૂટ એટલે કે સુરત, પાલધી, જલગાંવ અને મનમાડ થઈને પોતાના ગંતવ્ય સ્થાને જશે.

(ઉત્સવ વૈદ્ય)