Tue Jul 07 2026

Logo

કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા! વિશ્વપ્રસિદ્ધ 'કચ્છ રણોત્સવ'ની તારીખ થઈ જાહેર, જાણો વિગત

2026-07-07 10:21:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ  સરહદી કચ્છ જિલ્લાને વૈશ્વિક પ્રવાસન નકશા પર અનોખી ઓળખ અપાવનારો 'કચ્છ રણોત્સવ' આગામી ૧લી નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 'શ્રેષ્ઠ પ્રવાસન ગામ' તરીકેનો આંતરરાષ્ટ્રીય ખિતાબ મેળવનારા બન્ની પ્રદેશના સરહદી ગામ ધોરડો ખાતે આ લોકપ્રિય ઉત્સવ યોજાશે, જે ૭ માર્ચ, ૨૦૨૭ સુધી અવિરત ચાલશે.

કચ્છની ભૌગોલિક, ઇકોલોજીકલ અને સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરતા આ રણોત્સવ માટે પ્રવાસીઓ માટે ખાસ વૈભવી તંબુઓની નગરી ‘ધ ટેન્ટ સિટી’ તૈયાર કરવામાં આવી રહી છે. રણોત્સવ દરમિયાન કચ્છની અપ્રતિમ કળા, ભાતીગળ હસ્તકલા, પરંપરાગત લોકસંગીત અને નૃત્યની રમઝટ જોવા મળશે. આ ઉપરાંત નયનરમ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો. સ્થાનિક સ્વાદિષ્ટ વાનગીઓ પીરસતો ફૂડ ઝોન અને આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ,૧,૪૦૦થી વધુ સ્થાનિક હસ્તકલાના કારીગરો સાથેનો ભવ્ય 'આર્ટ એન્ડ ક્રાફ્ટ મેળો' આકર્ષણ જમાવશે.

પ્રવાસીઓની સુવિધા માટે સબરસ બસ સ્ટેશનેથી સફેદ રણમાં આવેલા વોચ ટાવર સુધી ગુજરાત રાજ્ય પરિવહન દ્વારા ઓક્ટોબર મહિનાથી જ ખાસ બસ સેવાઓ કાર્યરત કરી દેવામાં આવશે.

પર્યાવરણની સમતુલા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા ભીરંડિયારા ચેકપોસ્ટ, સબરસ બસ સ્ટેશન, વોચ ટાવર અને પ્રખ્યાત 'રોડ ટુ હેવન' સહિતના પ્રવાસન સ્થળોને સંપૂર્ણપણે 'પ્લાસ્ટિક મુક્ત ઝોન' જાહેર કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ દ્વારા ફેલાવવામાં આવતા કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે ખાસ આયોજન કરાયું છે, તેમજ પ્રદૂષણ અટકાવવા સફેદ રણ વિસ્તારમાં બેટરી સંચાલિત ઇકો-ફ્રેન્ડલી વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સરહદી સમુદાયના આર્થિક કલ્યાણને પ્રોત્સાહન આપવાનો છે.

વર્ષ ૨૦૦૫માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ શરૂ થયેલા આ રણોત્સવનો મુખ્ય હેતુ કચ્છના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ફલક પર મૂકવાનો હતો, જે આજે સાકાર થયો છે. હવે પ્રવાસીઓ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાથી સફેદ રણને જોડતા નવા બનેલા અદભુત માર્ગ ''રોડ ટુ હેવન'' મારફતે સીધા સફેદ રણની મજા માણી શકે છે. દર વર્ષની જેમ આ વખતે પણ રણોત્સવમાં ''અતુલ્ય ભારત'', ''રણ કે રંગ'' અને ''રણ કી કહાનીયા'' જેવી ખાસ થીમ આધારિત આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે ટેન્ટ સિટીમાં અત્યારથી જ એડવાન્સ બુકિંગનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

ગુજરાત પ્રવાસન નિગમના છેલ્લા દોઢ દાયકાના અવિરત પ્રયાસોના પરિણામે કચ્છમાં પર્યટકોની સંખ્યા દર વર્ષે નવો રેકોર્ડ બનાવી રહી છે. ગત વર્ષે ૪ લાખથી વધુ પ્રવાસીઓએ ધોરડોની મુલાકાત લીધી હતી, ત્યારે ચાલુ વર્ષે દેશ-વિદેશના પ્રવાસીઓની આ સંખ્યા બમણી થાય તેવો મક્કમ આશાવાદ પ્રવાસન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)