મુંબઈઃ છેલ્લા પાંચ દિવસથી મુંબઈ શહેર અને તેના ઉપનગરોમાં મુશળધારથી અતિ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. શરૂઆતમાં કાળઝાળ ગરમીથી શેકાતા મુંબઈગરાઓ માટે આ વરસાદ એક સુખદ અનુભવ બનીને આવ્યો હતો, પરંતુ હવે તેણે ભયજનક રૂપ ધારણ કરતાં શહેરની ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ખુલી ગઈ છે.
ભારે વરસાદે મુંબઈની વ્યવસ્થાની ફરી એકવાર કસોટી કરી અને તેમાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. રસ્તાઓ પર પાણી ભરાવા, ટ્રેન-બસ વ્યવહાર ખોરવાવો અને ફ્લાઇટ્સ મોડી પડવી - આ તમામ સમસ્યાઓથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પણ, મુંબઈમાં વારંવાર આવું કેમ થાય છે? જાણો આ પાછળનાં મુખ્ય કારણો...
ભારતના અન્ય શહેરોની સરખામણીમાં મુંબઈમાં પૂરનું જોખમ કેમ વધુ છે?
આ પ્રશ્નનો જવાબ મુંબઈની ભૌગોલિક રચના અને તેના ઈતિહાસમાં છુપાયેલો છે.
ટાપુઓનું જોડાણ: મુંબઈ મૂળ સાત ટાપુઓને જોડીને બનાવવામાં આવ્યું છે. આ કારણે શહેરનો મોટો ભાગ નીચાણવાળો છે અને અમુક ભાગ તો સમુદ્રની સપાટીથી પણ નીચે છે.
કોંક્રિટીકરણ: છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરમાં આડેધડ બાંધકામ અને કોંક્રિટીકરણ થયું છે, જેના કારણે વરસાદના પાણીને જમીનમાં ઉતરવા માટે જગ્યા જ બચી નથી.
કુદરતી સ્ત્રોતોનો નાશ: એકસાથે ભારે વરસાદ પડે છે ત્યારે વેટલેન્ડ્સ (ભેજવાળી જમીન) અને મેન્ગ્રોવ્સ જે પાણીનો નિકાલ કરતા હતા, તેનો મોટા પાયે નાશ થવાથી આ સ્થિતિ સર્જાય છે.
ભારે વરસાદમાં દરિયાઈ ભરતીની શું અસર થાય છે?
મુંબઈના મોટાભાગના નાળાઓ સીધા અરબી સમુદ્રમાં ખુલે છે, જે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પર કામ કરે છે. જ્યારે દરિયામાં મોટી ભરતી આવે છે, ત્યારે સમુદ્રનું સ્તર ઊંચું આવે છે. પરિણામે, નાળાનું પાણી દરિયામાં જવાને બદલે દરિયાનું પાણી ઊલટી દિશામાં નાળા મારફતે શહેરમાં ઘૂસે છે. આવા સમયે જો શહેરમાં ભારે વરસાદ શરૂ થઈ જાય, તો પાણીના નિકાલનો કોઈ જ રસ્તો રહેતો નથી અને શહેરમાં પૂર આવી જાય છે.
'બ્રિમસ્ટોવેડ' (BRIMSTOWAD) પ્રોજેક્ટ શું છે અને તે કેટલો ખાસ છે?
2005ના વિનાશક પૂર પછી બૃહદમુંબઈ સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ પ્રોજેક્ટને ગતિ આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુંબઈના જૂના નાળાઓની પાણી વહન કરવાની ક્ષમતા પ્રતિ કલાક 25 મીમી વરસાદથી વધારીને 50 મીમી કરવાનો હતો. દરિયામાં ભરતી હોય ત્યારે પણ શહેરનું પાણી ખેંચીને દરિયામાં ફેંકવા માટે હાજી અલી, લવગ્રોવ, ક્લીવલેન્ડ અને તાજેતરમાં બની રહેલા મોગરા જેવા વિશાળ પમ્પિંગ સ્ટેશનો ઊભા કરવા અને મીઠી નદી અને અન્ય મુખ્ય નાળાઓને પહોળા કરવા અને તેમાંથી કાદવ કાઢવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
મુંબઈની ડ્રેનેજ સિસ્ટમ કેમ નિષ્ફળ જાય છે?
હવામાનમાં આવેલા ફેરફારને કારણે હવે ૩-૪ દિવસનો વરસાદ ગણતરીના કલાકોમાં જ અત્યંત તીવ્રતાથી ખાબકે છે, જેની સામે જૂની સિસ્ટમ વામણી સાબિત થાય છે. નાગરિકો દ્વારા નાળાઓમાં ફેંકવામાં આવતો કચરો અને પ્લાસ્ટિક પાણીના નિકાલના રસ્તાઓ બંધ કરી દે છે. આ ઉપરાંત નાળાઓની આસપાસ થયેલા ગેરકાયદેસર દબાણો અને કાનૂની અડચણોને કારણે બ્રિમસ્ટોવેડ પ્રોજેક્ટ અને પમ્પિંગ સ્ટેશનોના કામ હજુ પણ સંપૂર્ણ રીતે પૂરા થઈ શક્યા નથી.
મુંબઈની આ સ્થિતિમાંથી અન્ય દરિયાકાંઠાના શહેરોએ શું શીખવું જોઈએ?
- અન્ય દરિયાકાંઠાના શહેરો માટે મુંબઈનો આ અનુભવ એક મોટી શીખ સમાન છે અને તેમણે ચોક્કસ જ આમાંથી બોધપાઠ લેવો જોઈએ.
- કુદરતી સંસાધનોનું રક્ષણ: સમુદ્ર કિનારાના મેન્ગ્રોવ્સ, નદીઓ અને વેટલેન્ડ્સનું રક્ષણ કરવું જોઈએ કારણ કે તે પૂરનું પાણી શોષી લે છે.
- આગતરું આયોજન: માળખાગત સુવિધાઓનું આયોજન કરતી વખતે માત્ર વરસાદ જ નહીં, પરંતુ દરિયાઈ ભરતી અને વાવાઝોડાને પણ ધ્યાનમાં રાખવા જોઈએ.
- ડ્રેનેજની ક્ષમતા વધારવી: ભવિષ્યની અતિવૃષ્ટિનો અંદાજ લગાવીને ડ્રેનેજ સિસ્ટમની ક્ષમતા પહેલેથી જ વધારે અને પર્યાપ્ત રાખવી જરૂરી છે.
- લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી એટલે કે પ્લાસ્ટિકના ઉપયોગ પર કડક નિયંત્રણ લાવવું અને નાળામાં કચરો ફેંકવા પર આકરા પ્રતિબંધો લાદવા જોઈએ.