ભુજઃ કચ્છના મુન્દ્રા તાલુકાના દેશલપર અને સમાઘોઘા ગામમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરીને અંદાજે રૂા. ૫૫,૩૪,૬૪૮ની વર્તમાન બજાર કિંમત ધરાવતી જમીન સંપાદન મુક્ત કરાવવામાં આવી હતી.
પોલીસ અને મહેસૂલ વિભાગના સત્તાવાર સાધનોમાંથી મળતી વિગતો મુજબ, મુંદરા તાલુકાના દેશલપર ગામે સરકારી સર્વે નંબર ૩૬ની ૪૮,૨૫૯ ચોરસ મીટર સરકારી જમીન પર લાંબા સમયથી ખેતી વિષયક ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તાલુકાના જ સમાઘોઘા ગામે સરકારી ટ્રાવર્સ સર્વે નંબર ૩૬૯ પૈકીની ૨,૦૦૦ ચોરસ મીટર સરકારી જમીન પર વાણિજ્ય હેતુ માટે ગેરકાયદેસર બાંધકામ કે કબજો કરીને દબાણ ઊભું કરાયું હતું. સરકારી જમીનો પરના આ દબાણો અંગે મુંદરા મામલતદાર દ્વારા કાયદેસરની નોટિસ આપીને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દબાણકર્તાઓને રજૂઆતની પૂરતી તક આપ્યા બાદ આખરે જમીન ખાલી કરવાનો આખરી હુકમ જારી કરાયો હતો.
મુક્ત કરાયેલી આ બંને જમીનનું કુલ ક્ષેત્રફળ ૫૦,૨૫૯ ચોરસ મીટર થાય છે, જેની સરકારી જંત્રી દર મુજબની વર્તમાન બજાર કિંમત આશરે રૂા. ૫૫,૩૪,૬૪૮ આંકવામાં આવી હતી.
ગત શનિવારે કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા અને મુંદરા પ્રાંત અધિકારી બી. એચ. ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ મુંદરા મામલતદાર કે. એસ. ગોંદિયા અને તેમની મહેસૂલી ટીમ ઘટનાસ્થળે ત્રાટકી હતી. તંત્રની આ કાર્યવાહીના પગલે દબાણકર્તાઓએ સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી લીધા હતા. આ સાથે જ તંત્ર દ્વારા આ કરોડોની કિંમતની જમીનનો કબજો વિધિવત રીતે સરકાર હસ્તક લઈ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
(ઉત્સવ વૈદ્ય)