Tue Jul 07 2026

Logo

શ્રીલંકાની જેલમાં બે ગેંગ વચ્ચે લોહિયાળ જંગ: 4 ગાર્ડ સહિત 25ના મોત, 100થી વધુ ઘાયલ

Colombo   2026-07-06 19:49:04
Author: Vimal Prajapati
Article Image

કોલંબોઃ શ્રીલંકાની એક જેલમાં કેદીઓ વચ્ચે મોટી હિંસા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ હિંસા કોલંબાના ઉત્તરમાં આવેલા નેગોમ્બો શહેરની મુખ્ય જેલમાં થઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યંત હિંસક અને લોહિયાળ હિંસામાં આશરે 25 લોકોના મોત થયાં છે. આ મૃતકોમાં 4 સુરક્ષાકર્મીઓ પણ સામેલ હોવાનું રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. હિંસક અથડામણમાં 100થી પણ વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ હિંસા શા માટે થઈ તે મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

બે ડ્રગ ગેંગ વચ્ચે શરૂ થયો હતો વિવાદ

રવિવારની સાંજે જેલની અંદર સક્રિય બે કુખ્યાત ડ્રગ્સ ગેંગના કેદીઓ કોઈ બાબતે આમને-સામને આવી ગયા હતા અને તેમની વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જોતજોતામાં આ વિવાદ મોટો થયો અને હિંસામાં ફેરવાઈ ગયો હતો. મોડી રાત સુધી આ હિંસા ચાલી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે નેગોમ્બોની સરકારી હોસ્પિટલમાં 100થી પણ વધુ ઘાયલોની સારવાર ચાલી રહી છે. 

કેદીઓ પર ગોળીઓ અને ધારદાર હથિયારોથી હુમલો

હોસ્પિટલ પ્રશાસને વધુમાં જણાવ્યું કે, ઘાયલોમાંથી ઘણા લોકોના શરીર પર ગોળીઓના નિશાન છે, જ્યારે કેટલાક અન્ય કેદીઓ ધારદાર હથિયારોના હુમલા, કપાવા અને ગંભીર ઇજાઓના કારણે પીડાઈ રહ્યા છે. હોસ્પિટલ તંત્ર ગંભીર રીતે ઘાયલ લોકોને બચાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સોમવારની સવારે પણ જેલની અંદરથી ગોળીબાર થવાના અવાજો સંભળાતા હતા. જેલની અંદર આ લોહિયાળ જંગના સમાચાર ફેલાતા જ જેલની સમગ્ર સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.