Wed Jul 08 2026

Logo

દિલ્હીના રોહિણી વિસ્તારમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, કાટમાળ નીચે અનેક મજૂરો દટાયાની આશંકા

2026-07-08 19:01:50
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના ઘટી છે. રોહિણી સેક્ટર-16 સ્થિત જી-4 પોકેટમાં આજે એક નિર્માણાધીન ઈમારત અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ છે. આ ભયાનક અકસ્માત સમયે બિલ્ડિંગમાં અનેક મજૂરો કામ કરી રહ્યા હોવાના અહેવાલ છે, જેના કારણે અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.

જોરદાર ધડાકો થયો ને ધૂળની ડમરીઓ ઉડી

સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે, અચાનક એક જોરદાર ધડાકા જેવો અવાજ સંભળાયો હતો અને જોતજોતામાં આખી ઈમારત પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી. ઈમારત પડતાંની સાથે જ ચારેય તરફ ધૂળના ગુબાર છવાઈ ગયા હતા અને આસપાસના લોકો બચાવો-બચાવોની બૂમો પાડતા ઘટનાસ્થળ તરફ દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી.

લોકોને બચાવવા સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

ઘટનાની ગંભીરતાને જોતાં દિલ્હી પોલીસ, ફાયર વિભાગની ગાડીઓ અને NDRF ની ટીમો યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવા માટે ભારે જેસીબી મશીનો અને અત્યાધુનિક રેસ્ક્યૂ સાધનોની મદદ લેવામાં આવી રહી છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે ઘટનાસ્થળ પર જ એમ્બ્યુલન્સ અને સ્પેશિયલ મેડિકલ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, "આ અકસ્માત એટલો અચાનક હતો કે બિલ્ડિંગની અંદર હાજર મજૂરોને બહાર ભાગવાનો કે સંભળાવવાનો સહેજ પણ મોકો મળ્યો નથી. ક્ષણભરમાં બધું તબાહ થઈ ગયું હતું. હાલ સુરક્ષાના કારણોસર વહીવટી તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે અને સામાન્ય લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ સતત ચાલુ છે. કાટમાળ સંપૂર્ણપણે હટાવ્યા બાદ જ અકસ્માતમાં ભોગ બનેલા લોકોની સાચી સંખ્યા અને બિલ્ડિંગ ધરાશાયી થવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.