Wed Jul 08 2026

Logo

હોર્મુઝમાં ભારે તણાવઃ અમેરિકાએ ઇરાનના 80 ઠેકાણા પર કર્યા જોરદાર હુમલા, ક્રૂડ માર્કેટમાં ગભરાટ

2026-07-08 09:17:35
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વધુ એક વખત યુદ્ધની ચિંગારી ભભૂકી ઉઠી છે. અમેરિકન સૈન્ય દળ 'યુએસ સેન્ટ્રલ કમાન્ડ' (CENTCOM) એ સત્તાવાર નિવેદન જાહેર કરીને પુષ્ટિ કરી છે કે અમેરિકન સેનાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર વિનાશક હુમલા કર્યા છે. બીજી તરફ, સેન્ટકોમે જણાવ્યું છે કે અમેરિકન સેનાએ ઈરાનના 80 ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ ઉપરાંત બંદર અબ્બાસ, કેશ્મ ટાપુ (દ્વીપ) અને સિરીકની આસપાસ આવેલા અનેક સૈન્ય ઠેકાણાઓ પર પણ હુમલા કરવામાં આવ્યા હતા. બંદર અબ્બાસમાં શહીદ હક્કાની પોર્ટ (બંદર) પર પણ હુમલો કરવામાં આવ્યો છે.

અમેરિકાનું કહેવું છે કે, આ કાર્યવાહી ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં નિર્દોષ નાગરિકો ધરાવતા કોમર્શિયલ (વાણિજ્યિક) જહાજો અને ઓઇલ ટેન્કરોને નિશાન બનાવવાના જવાબમાં કરવામાં આવી રહી છે. અમેરિકાએ જણાવ્યું કે ઈરાને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.

ઈરાનના આ ઠેકાણાઓને નિશાન બનાવ્યા

અમેરિકન સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, દરિયાકાંઠાની દેખરેખ પ્રણાલી, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો, એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલો અને ડ્રોન લોન્ચ પેડ્સને નિશાન બનાવવામાં આવ્યા છે. દક્ષિણ ઈરાનના સિરીક, કેશમ અને બંદર અબ્બાસ જેવા અગ્રણી બંદર શહેરોમાં પ્રચંડ વિસ્ફોટોના અવાજો સંભળાયા છે.

ઈરાને જાહેર કર્યું નિવેદન

ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના વિદેશ મંત્રાલયે 'એક્સ' (X) પર પોસ્ટ કર્યું છે કે, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનનું વિદેશ મંત્રાલય, અમેરિકા દ્વારા કરારનું ઉલ્લંઘન કરવાના પરિણામો વિશે ચેતવણી આપતાં, પોતાના રાષ્ટ્રીય હિતો અને સુરક્ષાના રક્ષણ માટે જરૂરી કોઈપણ પગલાં ભરશે. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ અમેરિકન કાર્યવાહીને વચગાળાના કરારનું ઉલ્લંઘન ગણાવીને તેની સખત શબ્દોમાં નિંદા કરી છે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ કાર્યવાહીના પરિણામોની સંપૂર્ણ જવાબદારી અમેરિકાની રહેશે.

અમેરિકાએ ફરી ઈરાનના તેલ વેચવા પર લગાવ્યો પ્રતિબંધ

તણાવ વધવાની સાથે જ અમેરિકાએ ઈરાની તેલના વેચાણ સાથે જોડાયેલી અસ્થાયી (કામચલાઉ) મંજૂરી પણ રદ કરી દીધી છે, જે યુદ્ધવિરામ કરાર હેઠળ આપવામાં આવી હતી. આ ઉપરાંત, અમેરિકન નૌકાદળના નેતૃત્વ હેઠળના સંયુક્ત દરિયાઈ માહિતી કેન્દ્ર (JMIC) એ હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) પરથી પસાર થતા જહાજો માટે જોખમનું સ્તર વધારીને 'સીવીયર' (ગંભીર) કરી દીધું છે.