ભુજઃ ભાવનગર જિલ્લાના ખરકડી ગામે બનાવટી દારૂ પીવાથી ત્રણ લોકોના મોત નિપજતાં રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આ કૌભાંડના તાર પૂર્વ કચ્છના ભચાઉ સાથે જોડાયેલા હોવાની શંકાના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી વિગતો મુજબ, ગંભીર ઘટના બાદ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. દરમિયાન, પૂર્વ કચ્છ પોલીસે ભચાઉના ભવાનીપુર વિસ્તારમાંથી અંદાજે ૨૦૦થી ૩૦૦ લિટર શંકાસ્પદ કેમિકલનો જથ્થો જપ્ત કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ કેમિકલના એફએસએલ પૃથક્કરણ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી વિગતો બહાર આવશે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ ભચાઉમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ બની ચૂકી છે તેમજ સુરત લઠ્ઠાકાંડમાં કંડલાથી કેમિકલ મોકલાયું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત, થોડા સમય અગાઉ અંજારના સતાપર પાસે ઝડપાયેલી બનાવટી દારૂની ફેક્ટરીના તાર પણ આ પ્રકરણ સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં તલસ્પર્શી તપાસની માગ ઉઠી રહી છે.
(ઉત્સવ વૈદ્ય)