ડોંબિવલી: મહારાષ્ટ્રના ડોંબિવલીમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં શિવસેના (શિંદે જૂથ)ના નગરસેવક રમેશ મ્હાત્રે દ્વારા એક મહિલા ડોક્ટર અને હોસ્પિટલના સ્ટાફ સાથે મારપીટ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, ડોંબિવલીની એક મ્યુનિસિપલ હોસ્પિટલમાં નવજાત શિશુ માટે એનઆઈસીયુ બેડની ઉપલબ્ધતાને લઈને વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન કોર્પોરેટર રમેશ મ્હાત્રે પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા હતા. બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગઈ કે કોર્પોરેટરે પોતાનો આપો ગુમાવ્યો અને મહિલા ડોક્ટર તથા અન્ય મેડિકલ સ્ટાફ પર હુમલો કરી દીધો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કોર્પોરેટર અને તેમના સાથીઓ સ્ટાફને ધમકાવી રહ્યા છે અને તેમની સાથે અભદ્ર વર્તન કરી રહ્યા છે.
આ ઘટનાને પગલે મેડિકલ એસોસિએશનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડોક્ટરો પર થતા આવા હુમલાઓના વિરોધમાં મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોના ડોક્ટરોએ અનિશ્ચિત મુદતની હડતાલનું એલાન કર્યું છે. આ હડતાલને કારણે હોસ્પિટલોમાં ઓપીડી સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેથી સામાન્ય દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ડોક્ટર અને મેડિકલ સ્ટાફની માંગ છે કે આરોપી નગરસેવક સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને ડોક્ટરોની સુરક્ષા માટે કડક કાયદો બનાવવામાં આવે.
ઘટના બાદ હોસ્પિટલ સત્તાવાળાઓની ફરિયાદને આધારે પોલીસે કોર્પોરેટર રમેશ મ્હાત્રે અને તેમના સમર્થકો સામે એફઆઈઆર નોંધી છે. જોકે, હજુ સુધી આ મામલે કોઈ મોટી ધરપકડ ન થતા તબીબી સમુદાયમાં સરકાર પ્રત્યે નારાજગી વધી રહી છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને સત્તાના દુરુપયોગ તરીકે જોવામાં આવી રહી છે.